પાલનપુર: બનાસકાંઠા જિલ્લાની અરવલ્લી ગીરીમાળામાં બિરાજમાન એવા માં અંબાના અંબાજી મંદિરના પરિસરના આજુબાજુનો વિકાસ કરવા માટેની તૈયારીઓ શરૂ કરાઇ છે. આ અંગેનું એક પ્રેઝન્ટેશન બનાસકાંઠા જિલ્લા કલેકટર અને મંદિર ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલે પ્રવાસન વિભાગના સચિવ સમક્ષ રજૂ કર્યું હતું.
મંદિરની આસપાસ 6146 ચોરસ મીટર વિસ્તારનો વિકાસ કરવાની તૈયારીઓ
આ પ્રેઝન્ટેશનમાં જણાવ્યા મુજબ, અગાઉના સર્વે મુજબ અંબાજી મંદિરને કેન્દ્ર બિંદુ રાખી તેની આસપાસનો ૭૫ ચોરસ મીટર વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારમાં આવેલી કુલ 133 મિલકતો જેને ચોરસ મીટરમાં જોવા જઈએ તો 6,146 ચોરસ મિટર થાય છે. જેનો જંત્રી મુજબ રૂ. 9 કરોડ અને બજાર કિંમત મુજબ રૂ. 50 કરોડ જેટલી રકમ થાય છે. અંબાજી મંદિરના માસ્ટર પ્લાન માટે ખાનગી આર્કિટેક દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ સ્થળની એચપીસી ના ચાર સભ્યોની ટીમ એ મુલાકાત પણ કરી હતી. આ સમગ્ર વિકાસ પ્લાનમાં 103 મિલકતોનો સમાવેશ થાય છે. જોકે તેમાં 19 મિલકતો એવી છે કે જેના પજેશન લેવામાં વધુ સમય વ્યક્તિત્વ થાય તેવું જણાય છે. વળી જંત્રી મુજબ ખાનગી મિલકતોની અંદાજિત વેલ્યુએશન રૂ. 28.52 કરોડ અને બજાર કિંમતના ભાવ મુજબ રૂ. 105 કરોડ જેટલી થાય છે. મિલકતોનું કુલ ક્ષેત્રફળ 17400 મીટર છે. જે પૈકી ખાનગી મિલકતો 12,474 ચોરસ મીટર,ટ્રસ્ટ અને કલેક્ટર હસ્તકની મિલકતો 4,825 ચોરસ મીટર, જ્યારે અંબાજી ગ્રામ પંચાયતની 100 ચોરસ મીટરની મિલકતો આવેલી છે. મંદિરનું સંપૂર્ણ વિસ્તૃતિ જ્યારે થશે ત્યારે યાત્રિકો માટે સુવિધાજનક બની રહેશે.
પીપીપી મોડેલ આધારિત રૂ. 25.76 કરોડના ખર્ચે યાત્રી નિવાસ
અંબાજી માતાજીના દર્શને આવતા યાત્રીકો રાત્રિ નિવાસ કરી શકે તે માટે પીપીપી મોડેલ આધારિત યાત્રી નિવાસનું નિર્માણ પણ કરવામાં આવનાર છે. રૂ. 25.76 કરોડના ખર્ચે દિવાળીબા ગુરુભવન ધર્મશાળા વાળી જગ્યાએ પીપીપી મોડલ આધારિત આ યાત્રી નિવાસ બનાવવામાં આવનાર છે.ગુજટોપ દ્વારા તૈયાર કરાયેલી આ દરખાસ્તને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે મંજૂરી પણ આપી દીધી છે.
મોહનથાળના વિકલ્પમાં ‘ચીકકી’નો પ્રસાદ
અંબાજી મંદિરમાં હાલ યાત્રીકોને મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. જે રૂ. 15, 25 અને 50 ના દરે મળે છે. આ પ્રસાદની સારી બાબત એ છે કે, તેની સારી માત્રા અને સારો સ્વાદ છે,પરંતુ વેલીડીટી ઓછી છે અને ઘી ખોખાની બહાર નીકળી આવે છે, તેમજ સુકાઈ પણ જાય છે. અને ખર્ચાળ છે. એટલે વૈકલ્પિક સૂકા પ્રસાદ તરીકે સોમનાથ મંદિરની જેમ ‘ચીકકી’નો પ્રસાદ પણ ચાલુ કરવા માટેનું આયોજન થઈ શકે છે.