અંબાજી દૂર હૈં…. જાના જરૂર હૈ.. : અંબાજીના ડુંગરાઓમાં ભક્તિરસની રમઝટ
પાલનપુર : દાંતા-અંબાજી વિસ્તારના ડુંગરાઓ જાણે જીવંત બન્યા છે. અને ચારેબાજુ બસ ભક્તિરસની જ રમઝટ જોવા મળે છે. દૂર દૂરથી યાત્રિકો બોલ મારી અંબે….. જય જય અંબે….. ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે. સંઘમાં આવતા માઇભક્તો માતાજીના રથને ભક્તિભાવપૂર્વક ખેંચીને તેમજ ગરબાના તાલે રમતા-ઝુમતા અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યા છે.
રસ્તાઓ ઉપર ઘણા સ્થળોએ વિવિધ સેવાકેન્દ્રો કાર્યરત બન્યાં છે. જેમાં યાત્રિકોને ચા-પાણી, નાસ્તો, જમવાનું તથા વિસામાની સગવડ મળે છે. મેળા પ્રસંગે માઇભક્તો ભક્તિમાં જાણે તરબોળ બન્યાં છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોના સંચાલકો અને સ્વયંસેવકો પદયાત્રિકોને આદરપૂર્વક વિનવણી કરીને ચા- નાસ્તો, જમવાની સેવાનો લાભ લેવા આગ્રહ કરતા જોવા મળે છે.
સેવાકેન્દ્રો ઉપર પણ ભક્તિ સંગીત, ગરબાના તાલે માઇભક્તો ઝુમી રહ્યા છે.અંબાજી મંદિરના ચાચર ચોકમાં માઇભક્તો હર્ષપૂર્વક માતાજીના જયઘોષ કરી રહ્યા છે. ઘણા ભાવિકો ભક્તિભાવથી મંદિરના શિખર ઉપર ધજાઓ ચડાવે છે. દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોના મોં પર આનંદ અને સંતોષની લાગણી જોવા મળે છે.