ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે ત્રણ દિવસ રોકાવું પડે એટલા વિકાસ કર્યો હાથ ધરવા છે : પ્રધાનમંત્રી મોદી

Text To Speech

પાલનપુર : બનાસકાંઠાની વિકાસયાત્રાનું વિઝન રજૂ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા બે દાયકાના સતત પ્રયાસોને કારણે બનાસકાંઠાનું ચિત્ર ખૂબ બદલાયું છે. આ પરિસ્થિતિ બદલવામાં નર્મદાના નીર, સુજલામ-સુફલામ અને ટપક સિંચાઈએ મોટી ભૂમિકા ભજવી છે. એટલું જ નહિ, આગામી સમયમાં ધરોઈ ડેમથી લઈ અંબાજી સુધીનો સમગ્ર બેલ્ટ વિકસિત કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવનારા દિવસોમાં અંબાજી આવતા પ્રવાસીઓએ અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે. તો બીજી તરફ અંબાજી આવતા દર્શનાર્થીઓ-પર્યટકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ આ પંથકમાં ફરવું પડે તેવો આ યાત્રાધામનો વિકાસ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવી હતી. તે ઉપરાંત આગામી સમયમાં અહી વિશેષ કિસાન રેલ પણ ચાલશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

પાલનપુર

તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું કામ પણ મા અંબાએ મારા ભાગ્યમાં લખ્યુ હશે તેમ કહીને મોદીએ ઉમેર્યું કે, આ પરિયોજનાની જરૂરત કેટલી છે એ અંગ્રેજો પણ જાણતા હતા. ૧૦૦ વર્ષ પહેલા અંગ્રેજોએ તેની ડિઝાઇન તૈયાર કરીને આ વિસ્તારમાં રેલ લાઈન બનાવવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત મુખ્યમંત્રી પદ પર બેસીને આ રેલ લાઇન માટે ખુબ વિનંતી કરી હોવા છતાં તેને મંજૂર કરવામાં આવી ન હતી. હવે આ રેલ લાઈન અને અંબાજી બાયપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ તો આવશે જ, સાથોસાથ મારબલ, ડેરી સહિતના બનાસકાંઠા અને આસપાસના તમામ ઉદ્યોગોને પણ વેગ મળશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પાલીતાણાની જેમ તારંગા પણ પ્રખ્યાત પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે.

Back to top button