ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી : ગબ્બર પર્વત પર મધ્યરાત્રે યોજાઇ ભવ્ય મહાઆરતી

Text To Speech
  • એક સાથે હજારો દીવડા પ્રગટાવાયા, ગબ્બર ગોખ વિસ્તાર ઝગમગી ઉઠ્યો

પાલનપુર : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા અંબાજીમાં ચાલી રહેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત તા. 14 મી ફેબ્રુઆરીએ ગબ્બર પર્વત પર મધ્યરાત્રીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો સહભાગી બન્યા હતા અને માં જગદંબાની આરાધનાનો દિવ્ય લ્હાવો પ્રાપ્ત કર્યો હતો.

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત ગબ્બર તળેટી ખાતે યાત્રિકોના મનોરંજન માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભારતના સૌથી મોટા લાઈટ & સાઉન્ડ શો દ્વારા ગબ્બર તળેટી ખાતે દરરોજ સાંજે આરતી યોજાઈ રહી છે. ત્યારે ૧૪ મી ફેબ્રુઆરીની મધ્યરાત્રીએ બરાબર બાર વાગ્યે માં અંબાના મૂળ સ્થાનક ગબ્બર પર્વત પર મહાઆરતી યોજાઈ હતી. જેમાં એક સાથે હજારો દીવડા પ્રગટાવવામાં આવતાં સમગ્ર ગબ્બર ગોખ વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો. શંખનાદ, ઘંટનાદ સાથે એકત્રિત માઇભક્તોના સ્વરનાદથી ગબ્બર ગોખ જીવંત થઈ ઉઠ્યો હતો.

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.કે.ચૌધરી, ધાનેરા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, પાલનપુર પ્રાંત અધિકારી પી.સી.દવે સહિતના અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એ મધ્યરાત્રી મહાઆરતીનો લાભ લીધો હતો.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના નાની આખોલ ગામેથી પાર્લર પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Back to top button