ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજી : માકણચંપા ગામ નજીક મગરની લટારથી ભય ફેલાયો

Text To Speech

પાલનપુર: અંબાજીમાં અરવલ્લીના પર્વતીય વિસ્તારમાં આ વર્ષે ભારે વરસાદના કારણે ચારે તરફ લીલોતરી જોવા મળી રહી છે. જ્યારે અનેક નદી- નાળા પણ ઉભરાઈ ગયા હતા. ત્યારે શુક્રવારની રાત્રીના સમયે અંબાજી થી ખેડબ્રહ્મા હાઇવે ઉપર માકણચંપા ગામ નજીક એક વિશાળકાય મગર લોકોની નજરે પડયો હતો. આ માર્ગ ઉપર જતા વાહનચાલકોએ હાઇવે પર મગર ફરી રહ્યો હોવાની જાણ ગામ લોકોને કરી હતી. જેથી ગામમાં ભયનો માહોલ ઊભો થયો હતો.

આ અંગે હડાદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ને જાણ થતા તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે મગરની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી. જેથી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ગામના યુવાનો સાથે રહીને આ મગરને પકડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ રસ્સા વડે મગરને પકડી નજીકના પાણીવાળા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાના સમાચાર આજુબાજુના વિસ્તારમાં ફેલાતા રાત્રિના સમયે પણ લોકોના ઘટના સ્થળે મોટા ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે મગરને સલામત રીતે પકડી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દસ દિવસ પહેલા પણ જોવા મળ્યો હતો  મગર

દાંતા તાલુકાના માકણચંપા ગામમાં અગાઉ 16 ઓગસ્ટના રોજ પણ આ વિસ્તારમાં મગર નજરે પડયો હતો. એ જ જગ્યાથી 50 મીટર દૂર ફરીથી મગર આવતા ગામ લોકો તેમજ પદયાત્રીઓમાં ડરનો માહોલ ફેલાયો હતો. આ વખતે ચોમાસું સારું રહેતા જંગલ વિસ્તારમાં સાપ અને વીંછીનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે. જેથી લોકોએ સાવધ રહેવાની પણ જરૂર છે.

Back to top button