હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અમરનાથ યાત્રા સ્થગિત


નવી દિલ્હી: હવામાન વિભાગએ આગામી 24 કલાકમાં બિહાર અને તેલંગાણા સિવાય દેશનાં તમામ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, આ પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી પછી અમરનાથ યાત્રાને સ્થગિત રાખવાની વિચારણા કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડના ચમોલીમાં પહાડો પરથી પથ્થરો પડવાના કારણે બદરીનાથ હાઈવે પણ બંધ છે. છેલ્લા 10 દિવસમાં આ હાઈવે ચોથી વખત બંધ કરવામાં આવ્યો છે. જ્યારે, પિથોરાગઢ જિલ્લાના ધારચુલામાં શુક્રવારે વાદળ ફાટવાના કારણે પુલ ધોવાઈ ગયો હતો. અહીં ચલ ગામમાં 200 લોકો ફસાયેલા છે. બચાવકાર્ય માટે ગયેલી SDRFની ટીમ પણ ફસાઈ ગઈ હતી.
બીજી તરફ હિમાચલ પ્રદેશના કાલકા-સોલન હાઈવે પર પહાડો પરથી અચાનક પથ્થરો પડવા લાગ્યા હતા.આ દુર્ઘટનામાં એક કાર માંડ માંડ બચી ગઈ હતી.
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં ગુરુવારે વીજળી પડવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યા. કેરળના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. કન્નુર, કાસરગોડમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અલપ્પુઝાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં રસ્તાઓ પર હોડી ચલાવવી પડી હતી. એક હજારથી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે પહેલગામ અને બાલટાલ બંને રૂટ પર અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. તીર્થયાત્રીઓને બાલટાલ અને નુનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હવામાનમાં સુધારો થતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. અત્યારસુધીમાં 80 હજારથી વધુ લોકો અમરનાથનાં દર્શન કરી ચૂક્યા છે.
આ પણ વાંચો- નીતિન ગડકરીની ટ્ર્ક ડ્રાઈવરોને ભેટ ! હવે ટ્રક ડ્રાઈવરો માટે AC કેબિન ફરજીયાત