શિવ ભક્તોમાં આનંદ! અમરનાથ યાત્રા 2022 માટે નોંધણી શરૂ
COVID-19 રોગચાળો ફાટી નીકળ્યાનાં બે વર્ષનાં અંતરાલ પછી, ફરી એક વખત ભારત સરકાર દ્રારા શ્રધ્ધાળુઓની લાગણીને માન આપી વાર્ષિક અમરનાથ યાત્રા 2022 શરૂ કરવા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તૈયારીઓની શરૂઆત નોંધણીથી શરૂ કરવામાં આવી છે અને સોમવારે નોંધણી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.


હાઈલાઈટ્સ
-અમરનાથ યાત્રા આગામી 30 જૂને શરૂ થશે
-11 ઓગસ્ટના રોજ યાત્રા સમાપ્ત થશે
-13-75 વર્ષની વય વચ્ચેના લોકો નોંધણી કરાવી શકશે
- શ્રદ્ધાળુઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે
અમરનાથ યાત્રા આગામી 30 જૂને શરૂ થશે અને 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. અમરનાથ યાત્રા માટે ‘યાત્રી’ નોંધણીની પ્રક્રિયા 11 એપ્રિલથી પંજાબ નેશનલ બેંકની 316 શાખાઓમાં શરૂ થઈ ગઇ છે અને 30 જૂન સુધી ચાલુ રહેશે. જે યાત્રીઓએ ગયા વર્ષે નોંધણી કરાવી હતી, તેમણે ફી માટે વધારાના રૂ. 20 જ ચૂકવવાના રહેશે. છેલ્લે યાત્રા નોંધણી ખર્ચ રૂ. 100 હતો, જ્યારે તે હવે રૂ.120 કરવામાં આવ્યો છે. યાત્રીઓને ખાસ ધ્યાને લેવા જેવી બાબત એ છે કે, હાલ 13 વર્ષથી ઓછી અથવા 75 વર્ષથી વધુ ઉંમરના લોકો અમરનાથ યાત્રામાં ભાગ લઈ શકતા નથી. “13-75 વર્ષની વય વચ્ચેના લોકો નોંધણી માટે આવી શકે છે. તેઓએ અમરનાથ શ્રાઈન બોર્ડની નજીકની નિયુક્ત હોસ્પિટલોમાંથી આરોગ્ય પ્રમાણપત્ર મેળવવું પડશે.”
- યાત્રી નિવાસમાં 3000 શ્રદ્ધાળુઓ આશ્રય લઇ શકશે
શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના સીઈઓ નીતીશ્વર કુમારે અગાઉ જણાવ્યું હતું કે શ્રાઈન બોર્ડની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા શ્રદ્ધાળુઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં એક યાત્રી નિવાસ બનાવવામાં આવ્યું છે, જેમાં 3000 શ્રદ્ધાળુઓ આશ્રય લઇ શકે છે. બોર્ડ આ વર્ષે મંદિરમાં સરેરાશ ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાઓ દર્શાવાય રહી છે. યાત્રાળુઓ માટેનું વીમા કવચ આ વર્ષે 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવ્યું છે. “યાત્રા માટે નોંધણી 11 એપ્રિલથી જમ્મુ અને કાશ્મીર બેંક, PNB બેંક, યસ બેંકની 446 શાખાઓ અને SBI બેંકની દેશભરની 100 શાખાઓમાં શરૂ થશે.વિશ્વભરના લોકો અમરનાથ યાત્રામાં ભાગ લેતા હોય છે અને તેઓ દર વર્ષે ઉનાળાના મહિનાઓમાં દક્ષિણ કાશ્મીરમાં શ્રી અમરનાથજી મંદિર સુધી ભયજનક પર્વતોમાંથી પસાર થાય છે. કોવિડ-19 રોગચાળાને કારણે 2020 અને 2021માં અમરનાથ યાત્રા થઈ શકી નથી. 2019 માં પણ, આ યાત્રા 5 ઓગસ્ટના થોડા દિવસો પહેલા સ્થગિત કરવામાં આવી હતી.