AM/NS ઈન્ડિયા ઝીરો લિક્વીડ ડીસ્ચાર્જ અને અન્ય પર્યાવરણલક્ષી પગલાંરૂપે હજીરામાં રૂ. 273 કરોડનું રોકાણ કરશે
હજીરા-સુરત, 12 જુલાઈ 2022: પર્યાવરણ જાળવણી માટેની કટિબધ્ધતાના ભાગરૂપે, આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલનું સંયુક્ત સાહસ AM/NS ઈન્ડિયા, ઝીરો લિકવીડ ડિસ્ચાર્જ અને અન્ય પર્યાવરણલક્ષી પ્રયાસ માટે તેના હજીરા સ્ટીલ સંકુલમાં રૂ. 273 કરોડનું મૂડીરોકાણ કરશે.
આ ઝીરો લિકવીડ ડિસ્ચાર્જ સિસ્ટમ સમગ્ર હજીરા પ્લાન્ટને આવરી લેશે અને આર.ઓ યુનિટથી સમગ્ર દૂષિત પાણીને શુધ્ધ કરીને ફરીથી ઉપયોગ કરવાનુ શકય બનશે.આ સિસ્ટમ થકી લિક્વીડ વેસ્ટ નાબૂદ કરવામાં AM/NS ઈન્ડિયાને સહાય મળશે. આ સિસ્ટમ 77 કરોડના ખર્ચે સ્થપવામાં આવી રહી છે. ઝીરો લિકવીડ ડિસ્ચાર્જ નેટવર્કની સંપૂર્ણ લંબાઈ 14 કિ.મી. છે. સિવિલ વર્કસ સંબંધી કોન્ટ્રાક્ટ તથા અન્ય કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે. આ સિસ્ટમની કામગીરી માર્ચ, 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
પ્રથમ તબક્કામાં જે પ્લાન્ટ્સ ને આવરી લેવામાં આવ્યા છે તેમાં સ્ટીલ મેકિંગ પ્લાન્ટ્સ 1 અને 2, હોટ સ્ટ્રીપ મિલ, CRM-DSC, ASU, DRI-5-6, COREX 1-2, પ્લેટ મિલ અને INOX ક્રાયોજેનિક એર સેપરેશન યુનિટ (ASU)નો સમાવેશ થાય છે.
એએમ/એનએસ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંતોષ મુંધડા જણાવે છે કે “અમે પર્યાવરણ માટે કટિબધ્ધ છીએ અને અમારા પ્લાન્ટમાં શ્રેષ્ઠ ગ્રીન પ્રણાલીઓ અપનાવવા માંગીએ છીએ. અમે ગ્લોબલ સ્ટીલ મેન્યુફેકચરિંગ સ્ટાન્ડર્ડ અનુસાર વિવિધ પર્યાવરણ સંબંધી પ્રોજેકટસની શરૂઆત કરી છે.”
AM/NS ઈન્ડિયાએ પર્યાવરણ સુધારણા માટેના રોડમેપને આખરી સ્વરૂપ આપ્યુ છે, તેમાં શરૂઆતના તબક્કામાં રૂ.173 કરોડનો ખર્ચ થશે, જેમાં રોડ મજબૂત કરવા ઉપરાંત, મટીરિયલ હેન્ડલીંગ માર્ગો ઉપર વધુ રોડ સ્વીપીંગ મશિન મુકીને તથા વિવિધ વાયુ પ્રદૂષણ નિયંત્રણનાં પગલાં લઈને આસપાસના વાતાવરણમાં રજકણનું સ્તર ઘટાડવાનો સમાવેશ થાય છે.
AM/NS ઈન્ડિયા હજીરા પ્લાન્ટમાં આ વર્ષે રૂ. 12 કરોડના ખર્ચે 3.60 લાખ વૃક્ષ રોપીને સંકુલમાં ગ્રીન બેલ્ટનુ વિસ્તરણ કરશે. મુંધડાએ વધુમાં જણાવ્યું કે “ડિસેમ્બર સુધી વૃક્ષારોપણ ઝુંબેશ પૂરી થતાં હજીરા પ્લાન્ટનો ગ્રીન બેલ્ટ વિસ્તાર 33 ટકાનો આંકડો વટાવી જશે. વધારવામાં આવેલો આ ગ્રીન બેલ્ટ આસપાસમાં રજકણનું સ્તર ઘટાડવામાં સહાય કરશે.”
સલ્ફરનુ એમિશન નાબૂદ કરવા માટે AM/NS ઈન્ડિયા કુદરતી ગેસનો મહત્તમ ઉપયોગ કરશે તથા સલ્ફર કન્ટેન્ટ ઓછું હોય તેવા કોલસાનો ઉપયોગ કરશે. એએમ/એનએસ ઈન્ડિયાએ હજીરામાં રૂ. 45,000 કરોડનું મૂડીરોકાણ કરીને સ્ટીલ ઉત્પાદની ક્ષમતા વાર્ષિક 9 મિલિયન ટનથી વધારી 18 મિલિયન ટન કરવાની જાહેરાત કરી છે.