ડીસા એલિવેટેડ ઓવરબ્રિજ શરૂ થયાને સમય વીત્યો છતાં સ્ટ્રીટ લાઈટ હજુ બંધ
પાલનપુર: ડીસામાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ ઉપર નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો હજુ પણ ચાલુ કરવામાં આવી નથી. જેથી રાત્રિના સમયે અંધારું રહે છે. વળી બ્રિજની નીચે આવેલા બંને સાઇડમાં સર્વિસ રોડ તેમજ જૂના રોડની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી નથી. તેને લઈને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બ્રિજ નીચેના માર્ગો નવા બનાવવામાં પણ થઈ રહ્યો છે વિલંબ
ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા હાઇવે ઉપર ટ્રાફિકનું ખૂબ જ કારણ રહેતું હતું. ટ્રાફિક સમસ્યાના નિવારણને લઈને ડીસા માર્કેટ યાર્ડ થી વિશ્વકર્મા મંદિર સુધીના 3.75 કિલોમીટર લાંબો અને રૂ. 200 કરોડમાં ખર્ચે બનેલા એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદઘાટન પણ અંદાજે વર્ષ પહેલાં દેશના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ઇ- લોકાર્પણ કરાયું હતું. પરંતુ આ બ્રિજ પર નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઈટને હજુ શરૂ કરવામાં આવી નથી. જેથી રાત્રીના સમયે વાહન હંકારતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમાંય રોંગ સાઈડ આવતા વાહનો સમસ્યા પેદા કરે છે.
વાહનની સમસ્યા હજુ પણ યથાવત
જ્યારે આ ઓવરબ્રિજ શરૂ થયા બાદ રોડની બંને સાઇડ જૂનો રોડ છે અને તેને અડીને સર્વિસ રોડ પણ આવેલો છે, વચ્ચે લોખંડની ગ્રીલ ફીટ કરેલી છે. આ માર્ગને હજી સુધી નવો બનાવવામાં આવ્યો નથી. તેમજ ઓવરબ્રિજની નીચે ખાલી રહેલી જગ્યામાં પણ કોઈ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું નથી. ત્યારે તંત્રએ વહેલી તકે લાઈટની કામગીરી અને ઓવરબ્રિજ નીચેના બંને રોડની કામગીરીને શરૂ કરાવી લોકોને પડતી નથી મુક્ત કરાવવાની જરૂર છે.