ગુજરાત વિધાનસભા 2022 ની ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી વિધાનસભા સીટો પર પણ કોંગ્રેસ કઈ ખાસ કરી શકી ન હતી. કોંગ્રેસના પક્ષના મોટા ગણાતા નેતાઓ પણ ચુંટણી હાર્યા હતા. જે બાદ આ હારનું પોસ્ટમોર્ટમ કરવા માટે હાઈકમાન્ડે એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી ગુજરાત મોકલી હતી. આ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ ગુજરાતમાં હારના કારણો જાણવા માટે અલગ અલગ નેતાઓ અને કાર્યકર્તાઓને મળી રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ કમિટીએ હાઈકમાન્ડને સોંપે આજે ત્રણ મહિના જેટલો સમય થવા આવ્યો છતાં કોંગ્રેસ હાઈકમાન્ડે દ્વારા કોઈ મોટા નેતા પર કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : BSFએ દરિયાકાંઠે આવેલા ટાપુ પરથી ફરી એકવાર ચરસના 10 પેકેટ જપ્ત કર્યા, કુલ પેકેટની સંખ્યા 27 થઈ
કાર્યવાહીના નામે માત્ર થોડા સમય અગાઉ મહિલા કોંગ્રેસના પ્રગતિ આહીરને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા પણ એની કોઈ ખાસ અસર વર્તાઇ ન હતી. આનાથી વધુ મોટી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. એકતરફ લોકસભા 2024 ની ચુંટણી આવતા વર્ષે યોજાનાર છે ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓમાં ચર્ચાએ જોર પકડયું છે કે આમ તો કેવી રીતે કોંગ્રેસ 2024 લડશે ? બીજી તરફ કર્ણાટક વિધાનસભાની ચુંટણી માટે હમણાં થોડા સમય અગાઉ સ્ટાર પ્રચારકો માટેનું લિસ્ટ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે તે લિસ્ટમાં પણ એક પણ ગુજરાત કોંગ્રેસના નેતા નામ ન હતું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની 2022 માં ખરાબ હાર થયા બાદ કોંગ્રેસના નેતાઓ કરતાં વધુ કોંગ્રેસનો કાર્યકર્તા તૂટી રહ્યો છે.