ઈસ્લામાબાદમાં પણ એસ. જયશંકરનો આક્રમક અંદાજઃ જાણો પાકિસ્તાનને શું કહ્યું?
- SCO સમિટમાં શાહબાઝ શરીફની સામે ડૉ. જયશંકરે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો અને આતંકવાદ પર સંભળાવ્યું
ઈસ્લામાબાદ, 16 ઓકટોબર: ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર હાલમાં SCO સમિટ માટે પાકિસ્તાનમાં છે. SCO સમિટને સંબોધિત કરતી વખતે શાહબાઝ શરીફની સામે એસ. જયશંકરે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો અને આતંકવાદ પર ખૂબ સંભળાવ્યું. ઈસ્લામાબાદમાં SCOની બેઠક દરમિયાન મજબૂત મેસેજ આપતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે બુધવારે સીમા પારના આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પાકિસ્તાને એ વાત પર આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે બંને દેશો વચ્ચેના સંબંધો કેમ બગડ્યા? પોતાના સંબોધનમાં તેમણે ચીનનો પણ સમાવેશ કર્યો હતો. તેમણે ઈશારામાં CPEC પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, એકપક્ષીય એજન્સીથી SCOનો ઉદ્દેશ્ય પૂર્ણ થશે નહીં.
વિદેશમંત્રીએ પાકિસ્તાનમાં મોર્નિંગવૉકનો ફોટો શૅર કર્યો
A morning walk together with colleagues of Team @IndiainPakistan in our High Commission campus. pic.twitter.com/GrdYUodWKC
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 16, 2024
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે SCO સમિટમાં શું કહ્યું?
SCO સમિટમાં બોલતા જયશંકરે કહ્યું કે, ‘જો કોઈ વિશ્વાસ નથી કે સહકારનો અભાવ છે, જો મિત્રતા ઓછી થઈ ગઈ છે અને પાડોશી જેવુ વર્તન ગાયબ છે, તો તેના કારણો શોધવા જોઈએ અને તેને દૂર કરવા જોઈએ.’ આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું નામ લીધું નહોતું, પરંતુ તેમનો સંકેત સ્પષ્ટ હતો. જયશંકરે વધુમાં કહ્યું કે, જો સરહદ પારથી આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપવામાં આવશે તો વેપાર, ઉર્જાનો પ્રવાહ અને લોકો વચ્ચેનો સંપર્ક કેવી રીતે વધશે? તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કટ્ટરવાદથી કોઈ દેશ આગળ વધતો નથી. વિકાસ અને પ્રગતિ માટે શાંતિ જરૂરી છે.
હકીકતમાં, ભારત કહેતું રહ્યું કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પાડોશી સંબંધો ઈચ્છે છે, પરંતુ આ માટે પાકિસ્તાન આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણ બનાવે તે જરૂરી છે. જયશંકરનું આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની મુલાકાતના એક દિવસ બાદ આવ્યું છે.
SCO સમિટમાં ડૉ. જયશંકરના નિવેદનના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ
- આપણે મુશ્કેલ સમયમાં મળી રહ્યા છીએ, જ્યારે બે મોટા સંઘર્ષો ચાલી રહ્યા છે.
- કોરોના રોગચાળાએ વિકાસશીલ વિશ્વને તબાહ કરી નાખ્યું છે.
- SCOનો ઉદ્દેશ્ય પરસ્પર વિશ્વાસ, મિત્રતા અને સારા પાડોશીને મજબૂત કરવાનો છે.
- SCOના મુખ્ય ત્રણ પડકારો આતંકવાદ, અલગતાવાદ અને Extremism સામે લડવાના છે.
- જો વિશ્વાસનો અભાવ અથવા અયોગ્ય સહકાર અથવા સારા પાડોશીઓનો અભાવ હોય, તો આત્મનિરીક્ષણની જરૂર છે.
- વિશ્વ બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યું છે.
- સહકાર પરસ્પર સન્માન પર આધાર રાખે છે.
- આપણા સહકારમાં આવતા અવરોધોને ઓળખવાની જરૂરિયાત.
ઈશારોમાં ચીનનો પણ ઉલ્લેખ કર્યો
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ પોતાના સંબોધનમાં ચીનનો ઉલ્લેખ કર્યો હતો. CPEC પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યા વિના, જયશંકરે કહ્યું કે, જો આપણે વિશ્વની પસંદગીપૂર્વકની પ્રથાઓ ખાસ કરીને વેપાર અને વ્યવસાયિક માર્ગોને પસંદ કરીએ છીએ, તો પછી સભ્ય દેશો પ્રગતિ કરી શકશે નહીં. તેમણે કહ્યું કે, ‘SCOના સભ્ય દેશો વચ્ચે સહકાર પરસ્પર સન્માન અને સાર્વભૌમ સમાનતા પર આધારિત હોવો જોઈએ. આ માટે તમામ દેશો પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વને માન્યતા આપે તે જરૂરી છે. આ માટે, એક વાસ્તવિક ભાગીદારી બનાવવી જોઈએ, અને એકતરફી એજન્ડાને અનુસરવું જોઈએ નહીં.
ક્યારથી સંબંધોમાં આવી ખટાશ?
હકીકતમાં, ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. ત્યારથી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ, ભારતે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું. આ પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા. આર્ટીકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઓછા કર્યા છે.
આ પણ જૂઓ: કોઇની નજર ના લાગે! જર્મન રાજદૂતે નવી BMWમાં લટકાવ્યા લીંબુ-મરચાં, જૂઓ વીડિયો