ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર, સુરત અને રાજકોટને મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ.૨૫૫ કરોડની ફાળવણી

Text To Speech

ગાંધીનગર, 23 સપ્ટેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ રૂ.૨૫૫.૦૬ કરોડ મંજૂર કર્યા છે. તદઅનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફુટપાટ નિર્માણ અને સી.સી. રોડ તથા રોડ કારપેટ તેમજ રિ-કારપેટના વિવિધ ૫૭૯ કામો માટે રૂ.૧૮૧.૫૦ કરોડ ફાળવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યના મહાનગરોમાં આ યોજના હેઠળ નવા રોડ બનાવવા અને હયાત માર્ગોની મરામત સહિતના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ત્રણ મહાનગરપાલિકાઓની રજૂ કરવામાં આવેલી દરખાસ્તને તેમણે અનુમોદન આપ્યું છે.

મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના જુદા જુદા ૧૨ કામો માટે ૬૦.૭૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડના નવિનીકરણ કામો માટે ૧૨.૮૪ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટકમાંથી છેલ્લા ચાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાને ૧૪૯૩ કામો માટે રૂ. ૭૪૦.૮૫ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના ૨૯ કામો માટે રૂ. ૧૬૮.૯૪ કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાને ૦૭ કામો માટે રૂ. ૫૭.૬૮ કરોડ મળીને કુલ શહેરી સડકના ૧૫૨૯ કામો માટે ૯૬૧.૪૭ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

Back to top button