ગુજરાતટોપ ન્યૂઝ

157 નગર પાલિકાઓના રોડ રસ્તા સુધારવા માટે રૂ.100 કરોડની ફાળવણી

Text To Speech
  • ચોમાસામાં વરસાદને કારણે માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે મહત્વપૂર્ણ નિર્ણય
  • મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્‍વયે રકમ ફાળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપી મંજૂરી
  • ચાર વર્ગ પ્રમાણે નગર પાલિકાઓને રકમની ફાળવણી કરાઈ

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 100 કરોડ રૂપિયા 157 નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે.

4 વર્ગ પ્રમાણે રકમની ફાળવણી કરાઈ

100 કરોડ રૂપિયાની આ રકમમાંથી ‘અ’ વર્ગની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 1 કરોડ પ્રમાણે 22 કરોડ રૂપિયા તેમજ ‘બ’ વર્ગની 30 નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા 80 લાખ પ્રમાણે કુલ 24 કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની 60 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 60 લાખ મુજબ કુલ 36 કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગની 45 નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા 40 લાખ પ્રમાણે કુલ 18 કરોડ રૂપિયા આવા રોડ રીસરફેસિંગ કામો માટે ફાળવવામાં આવશે.

મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે મૂકી હતી દરખાસ્ત

નગર પાલિકાઓને રસ્તાના મરામત – રીસરફેસિંગ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ મારફતે શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ દરખાસ્તના સંદર્ભમાં 100 કરોડ રૂપિયા ફાળવીને લોક સુખાકારી કામો માટેની આગવી સંવેદના દર્શાવી છે.

Back to top button