સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ આચર્યું હોવાની રાવ ઉઠી

સુરત, 18 સપ્ટેમ્બર 2025: સુરત શહેરમાં એકજ પરિવારના લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ઇકોનોમિકલી વીકર સેક્શન (EWS) આવાસ કૌભાંડ આચર્યું હોવાના ગંભીર આરોપો લગાવાયા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHHB) દ્વારા અમરોળી (છપરાભાઠા) ખાતેની તાપી રેસીડેન્સીમાં ગરીબો અને નિવાસ વિહોણા લોકો માટે બનાવેલા 12 EWS ફ્લેટો આ પરિવારે મેળવ્યા હોવાનો આક્ષેપ છે.
આ ફ્લેટો ગેરકાયદેસર રીતે ફાળવાયા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે, જેની તપાસની માગ ઉઠી છે.આરોપો અનુસાર, આ પરિવાર આર્થિક રીતે સક્ષમ છે અને તેમની પાસે સુરતમાં બંગલા, પ્લોટ, ત્રણ બિલ્ડિંગ સ્કીમો, સાત આલિશાન ઓફિસો, ઇન્ટરનેશનલ ટ્રાવેલ એજન્સી અને અલગ-અલગ સ્થળોએ ફ્લેટો અને ટેનામેન્ટ્સની માલિકી છે. આ ઉપરાંત, પરિવારના કેટલાક સભ્યો સરકારી નોકરીમાં છે. આમ છતાં, EWS યોજનાનો ગેરલાભ લઈને ફ્લેટો મેળવવામાં આવ્યા હોવાનું જણાય છે.

ચોંકાવનારી વાત એ છે કે પરિવારના એક મોભી 100 કરોડના ચિટિંગ કેસમાં હાલ લાજપોર સેન્ટ્રલ જેલમાં બંદી છે.સ્થાનિક લોકો અને વિરોધીઓએ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સરકાર પાસે તપાસની માગ કરી છે. આ કૌભાંડથી ગરીબોના હક્કનું નુકસાન થયું હોવાનું જણાય છે. GHHB અને સ્થાનિક વહીવટે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. આ મામલે વધુ તપાસ અને કડક કાર્યવાહીની જરૂર છે, જેથી ગરીબો માટેની યોજનાઓનો દુરુપયોગ રોકાય.












