ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં રેવન્યૂ અધિકારી બેફામ; લોકશાહીને બનાવી દીધી રાજાશાહી- મનફાવે તેમ કરે છે ભ્રષ્ટાચાર!!!

  • મહેસુલ વિભાગના (Department of Revenue) અધિકારીઓ સરકારી પરિપત્રનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચારમાં થયા ગળાડૂબ

અમદાવાદ: રાજ્ય સરકારે કેટલાક સમય પહેલા એક પરિપત્ર જાહેર કરીને જમીન કે પ્રોપર્ટીના ખરીદ-વેચાણ અંગેની નોંધ રદ કરવાની પ્રથાનો અંત આણ્યો હતો. આ પ્રથાનો અંત થતાં એક નવી પદ્ધતિ અમલમાં આવી જેમાં ગામ હક્ક પત્રકની નોંધોને “પ્રમાણિત” (Certified) કે “નામંજૂર” કરવાનો અધિકાર મહેસુલ વિભાગના અધિકારીઓના હાથમાં આવ્યો હતો. જોકે, સરકારના આ નિર્ણય પછી ભ્રષ્ટાચારમાં વ્યાપાક વધારો થઇ ગયો હોવાની રાવ ઉઠી છે. કેમ કે અધિકારીઓ મનફાવે તેમ જોહુકમી નિર્ણય લઈને ખેડૂતોથી લઈને અન્ય અરજદારો પાસેથી કામ કરવાના પૈસા પડાવી રહ્યાની કાકારોણ મચી ગઇ છે.

નવી સિસ્ટમ સક્રિય થતાં તમામ પાવર મહેસુલ વિભાગના અધિકારીઓના હાથતળે આવી ગયા હતા. વધુમાં ઓછું સરકારે અધિકારીઓને નોંધ પાડવા અંગેના તેમના નિર્ણયને લઈને ક્વચ અને કૂંડળ આપ્યા હતા. સરકારે પોતાના અન્ય એક પરિપત્રમાં જણાવ્યું હતુ કે, મહેસુલી કર્મચારી-અધિકારીઓએ બજાવેલી ફરજના ભાગરૂપે રેવન્યૂ એન્ટ્રીઓ પ્રમાણિત કરવાના કારણે તેઓની સામે ફોજદારી કે અન્ય કોઈ કાયદેસરની કાર્યવાહી કરી શકાશે નહીં. આમ તેમના નિર્ણય સામે કોઈ આંગળી ઉઠાવી શકે નહીં, તેઓ જે કરે તે અંતિમ નિર્ણય.. વાત ખત્મ. કોઈ કંઇ જ કહી શકે નહીં.. તેઓ જ સત્ય અરજદારો ભ્રમ-મિથ્યા… આમ મહેસુલ વિભાગના અધિકારીઓને સરકારે મહાભારતના કર્ણની જેમ ક્વચ-કૂંડળ પુરૂ પાડતા અધિકારીઓની તો છાતી 52ની જગ્યાએ 65ની બની ગઇ.

સરકારના તે પરિપત્ર પછી શરૂ થઇ લોકશાહીને રાજાશાહીમાં બદલવાની પ્રક્રિયા, કેમ કે સરકારે મહેસુલ અધિકારીઓને સત્તાની સાથે-સાથે મસમોટું વરદાન પણ આપી દીધું હતું. આ નવી સિસ્ટમ પછી મહેસુલ વિભાગના અધિકારીઓ અરજદારોની નાની-નાની ભૂલોના કારણે પણ નોંધને નામંજૂર કરવા લાગ્યા. નોંધ નામંજૂર થતાં અરજદારની રજળપટ્ટ વધી ગઇ. અરજદારો પોતાનો સમય અને રખડપટ્ટીથી બચવા માટે મહેસુલ વિભાગના અધિકારીઓના શરણે જવા લાગ્યા અને પ્રસાદ ચઢાવવા માટે મજબૂર બન્યા. આમ પ્રતિદિવસ પ્રસાદનો દાયરો પણ વધવા લાગ્યો. અધિકારીઓની પ્રસાદની ભૂખ એટલી બધી વધી ગઇ છે કે હવે ભક્તો (અરજદારો) તે પૂરી પણ કરી શકી રહ્યાં નથી. પરંતુ શું થઇ શકે? સરકાર જ તેનો નિવેડો લાવી શકે છે.

અરજદારો જાણે છે કે તેમની નોંધને નામંજૂર કરવામાં આવશે તો એકાદ વર્ષ સુધીની તેમની રજ્જળપાટ નક્કી છે. કેમ કે નોંધ નામંજૂર થતાં અરજદારોને કાયદાકીય જોગવાઇ અનુસાર અપીલ કરવી પડે છે. કોર્ટમાં અપીલ ચાલતી રહે છે અને તેમાં નિર્ણય આવતા ઘણો સમય લાગી જાય છે, તે ઉપરાંત અપીલ ચલાવવામાં પણ અરજદારને ઘણો મોટો ખર્ચ આવતો હોય છે, તેની સાથે-સાથે સમય પણ આપવો પડે છે. કેમ કે ચાલુ અપીલ દરમિયાન મુદ્દતે હાજર રહેવું પણ જરૂરી હોય છે.

હવે બન્યું એવું કે મહેસુલ અધિકારી બેફામ બની ગયા છે, અરજદારોની ન જેવી ભૂલ હોય તો પણ નોંધ નામંજૂર કરવા લાગ્યા છે. વર્તમાન સમયમાં પણ અરજદારથી નોંધ સાથે જોડાયેલા કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહી જાય અથવા તે સિવાય અન્ય કોઈ નાની ભૂલ હોય તો તેવા કિસ્સામાં પણ મહેસુલ અધિકારી નોંધ નામંજૂર કરી દે છે.

આ પણ વાંચો-ગામડાઓમાં બેરોજગારી દર વધ્યો, સરકારના રોજગારીના દાવાઓની પોલ ખુલી

વધુમાં ગામ હક્ક પત્રકની નોંધના નિર્ણયોના લગભગ તમામ કેસોમાં અરજદારો અપીલની હાલાકીથી બચવા તેમજ સમય બચાવવા મહેસુલી અધિકારીઓની માંગણીઓને વશ થાય છે. જેથી આવી પ્રથાથી ભ્રષ્ટાચારમાં ખુબ જ વધારો થયો છે. ઘણા કિસ્સામાં મહેસુલી અધિકારી એક જ પ્રકારની બે નોંધોમાં એક પ્રમાણિત કરતા હોવાની અને બીજી ક્ષુલ્લક કારણો આપીને નામંજૂર કરતા હોવાથી અરજદારોની હાલાકીમાં વધારો થવાની સાથે-સાથે ભ્રષ્ટાચારમાં પણ ખુબ જ વધારો થયો છે.

મહેસુલ વિભાગના અધિકારીઓ નોંધ નામંજૂર કરવાના કેસમાં કંપનીના ઓર્થોરાઇડ સિગ્નેચરવાળા લેટર ન હોવાનું કારણ દર્શાવે છે, પરંતુ હકીકતમાં તો તે કારણ જ ખોટું છે.અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે, લેટર નથી તેથી નોંધ નામંજૂર કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ઓથોરાઇડ પર્સનની હાજરીમાં રજિસ્ટારની સમક્ષ જ વેચાણ દસ્તાવેજ કરવામાં આવે છે અને તે સમયે ઓથોરાઇડ વ્યક્તિ પોતે સહી-સિક્કા અને પોતાના ફોટા સહિતના ડોક્યુમેન્ટ રજૂ કરીને તમામ પ્રક્રિયા કરાવતો હોય છે. તેથી ઓથોરાઇડ પર્સનના લેટરની કોઈ જ જરૂર રહેતી નથી કેમ કે તે પોતે જ હાજર છે. તે છતાં પણ અધિકારીઓ લેટર અંગેનો ખોટેખોટું કારણ ધરીને પોતાની જ વાત ખરી હોવાનું રટણ ચાલું રાખીને નોંધને નામંજૂર કરી દેતા હોય છે. આવા અસંખ્ય કેસ સામે આવી ચૂક્યા છે.

રેવન્યૂ અધિકારીઓએ ધાર્યું હોત તો ગરીબ અભણ ખેડૂતો સહિત અનેક આવેદનકર્તાઓની મુશ્કેલીને દૂર કરી શક્યા હોત, સ્વભાવિક છે કે સક્ષમ અધિકારીના કહેવાથી અરજદાર ખૂટતા કાગળના ટૂકડાઓ જમા કરાવવા માટે જરૂર દોડી જતો પરંતુ તેમને તેમની ભૂલ સુધારવાની તક આપવામાં જ ન આવી. જ્યારે અરજદારને ભૂલ સુધારવાની તક જ આપવામાં આવતી નથી તો વાંક કોનો કાઢવો? રેવન્યૂ અધિકારીઓએ જાણીજોઇને ભ્રષ્ટાચારયુક્ત ચિલો ચિતર્યો છે, કેમ કે તેમનો ડર ખત્મ થઇ ગયો છે કારણ કે તેમને કાયદાકીય રીતે રક્ષણ મળેલું છે.

દુ:ખદ બાબત તો તે છે કે, અધિકારીઓ સામાન્ય વ્યક્તિઓ પાસેથી તો તોડ પાણી કરે છે પરંતુ તેની સાથે-સાથે તેઓ એમએનસી કંપનીઓને પણ બક્ષતા નથી, તેથી કંપનીઓના પ્રોજેક્ટ વર્ષો પાછળ ઠેલાઇ જતાં હોય છે, જેના કારણે ગુજરાતમાં રોજગારને પણ અસર થતી હોય છે. અધિકારીઓના આવા વલણના કારણે ગુજરાતનું નામ દેશ-વિદેશમાં પણ ખરાબ થઇ રહ્યું છે. ગુજરાત ઝડપી રીતે ઓદ્યોગિક ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે પરંતુ અધિકારીઓના ભ્રષ્ટાચારી વલણના કારણે કંપનીઓ એક-એક વર્ષ સુધી પોતાનું મેન્યૂફેક્ચરિંગ કામ ચાલું કરી શકતી નથી.

અહીં તે નોંધવું જરૂરી છે કે, ગુજરાત મહેસુલ અધિનિયમ 1979ની કલમ-135 ઘ (8) અનુસાર પ્રમાણિત કરનાર અધિકારી સામે એવા કારણો હોવા જોઇએ જેમાં નોંધ અધિનિયમ અથવા બીજો કોઈ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતું હોય અથવા તેનું ઉલ્લંઘન કરી રહ્યું હોય. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ નોંધમાં ગેરકાયદેસર બાબત સામે આવે તેવા કિસ્સામાં અધિકારી નોંધ પ્રમાણિત કરી શકે નહીં. આ બાબતે અરજદાર પાસેથી લેખિતમાં તેના કારણો પણ અધિકારી લઇ શકે છે. આમ જો નોંધ નામંજૂર કરવાના કિસ્સામાં સક્ષમ અધિકારીને કોઈ કાયદાકીય જોગવાઇનો ભંગ થતો હોય તો નોંધ નામંજૂર કરવી જોઇએ.

સરકારે તો પોતાના પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, અરજદારોની નાની ભૂલોના કારણે નોંધ નામંજૂર કરવી જોઇએ નહીં. પરંતુ અધિકારીઓએ તો નવો જ ચિલો ચિતરી દીધો છે. મહેસુલ વિભાગના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરીને સરકાર અને અરજદાર પર વધારાનો ભાર નાંખી દીધો છે. નોંધ નામંજૂર કરીને તેઓ કોર્ટ-કચેરીઓના કામમાં પણ વધારો કરી દીધો છે.

જણાવી દઇએ કે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-1879ની કલમ-135-ગ મુજબ નોંધ પડ્યા પછી 90 દિવસમાં નોંધ અંગે સક્ષમ અધિકારીએ નિર્ણય લેવાની જોગવાઇ છે, તો નોંધ પ્રમાણિત કરનાર અધિકારીએ 30 દિવસની અંદર કોઈ વ્યક્તિનો વાંધો-તકરાર ન આવેલા હોય પરંતુ નોંધ પ્રમાણિત કરવા માટે કોઈ સહી, જવાબ કે એકાદ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો અરજદારને 15 દિવસમાં તે સબમિટ કરાવવાની તક આપવામાં આવે તો ભ્રષ્ટાચાર અને સરકાર પર પડતા વધારાના ભારને ઓછો કરી શકાય છે.

આ પણ વાંચો- બનાસકાંઠાના SP સામે ગેનીબેન ઠાકોરે કેમ ચડાવી બાંયો ? જેલભરો આંદોલનની આપી ચીમકી

Back to top button