ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નિઠારી કાંડના આરોપીઓને અલાહાબાદ હાઈકોર્ટે દોષમુક્ત જાહેર કર્યા

  • હાઈકોર્ટે પુરાવાના અભાવે ગુનેગારોને નિર્દોષ છોડી મૂક્યા
  • અગાઉ CBI કોર્ટે બંનેને ફાંસીની સજા ફટકારી હતી
  • 2006માં નિઠારી કાંડની ઘટના સામે આવી હતી

નોઈડાના ચર્ચિત નિઠારી મર્ડર કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે સુરેન્દ્ર કોલી અને મોનિન્દર સિંહ પંઢેરને તમામ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે, જેમને અગાઉ નિઠારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે 12 કેસમાં સુરેન્દ્ર કોલીને અને બે કેસમાં મોનિન્દર સિંહ પંઢેરને આપવામાં આવેલી ફાંસીની સજા રદ કરી છે. અગાઉ CBI કોર્ટે બંનેને ફાંસીની સજા ફટકારી હતી. જેની સામે દોષિતોએ ફાંસીની સજા રદ્દ કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમ, અલાહાબાદ હાઈકોર્ટે 14 કેસમાં ચુકાદો આપતાં બંનને નિર્દોષ જાહેર કર્યા છે. જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રા અને જસ્ટિસ SHA રિઝવીની ડિવિઝન ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે.

ફાંસીની સજાને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી

હાઈકોર્ટે કોઈ પ્રત્યક્ષ પુરાવા અને કોઈ સાક્ષી ન હોવાના આધારે ગુનેગારોને નિર્દોષ છોડી મૂક્યા છે. અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયથી CBIને મોટો ઝટકો લાગ્યો છે. જોકે, રિમ્પા હલદર હત્યા કેસમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોહલીની ફાંસીની સજા યથાવત રાખી છે. આ પુરાવાના આધારે બંનેને રિમ્પા હલદર હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. 2006માં નોઈડામાં બનેલા નિઠારી કાંડમાં CBIએ સુરેન્દ્ર કોલીને હત્યા, અપહરણ, બળાત્કાર અને પુરાવાનો નાશ કરવાના કેસમાં આરોપી બનાવ્યો હતો. જ્યારે પંઢેર પર માનવ તસ્કરીનો પણ આરોપ હતો. બંનેએ ફાંસીની સજાને અલાહાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી. આરોપીઓએ કહ્યું કે આ કેસોમાં કોઈ નજરે જોનાર સાક્ષી નથી. તેમને સજા માત્ર શંકાને આધારે આપવામાં આવી રહી છે.

જાણો શું છે નિઠારી કાંડ?

નિઠારી ગામની સગીર છોકરીઓ એકાએક ગુમ થવા લાગી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. ડિસેમ્બર 2006માં નિઠારીમાં મોનિન્દર સિંહ પંઢેરના ઘર નજીક એક નાળામાંથી માનવ હાડપિંજર મળ્યાં હતાં. ત્યારબાદ CBIને કેસની તપાસ શરૂ કરી હતી. તપાસ કરતાં બાળકોનું અપહરણ, બળાત્કાર અને હત્યાની ખૌફનાક કહાની સામે આવી હતી. CBIએ આ મામલે કુલ 16 કેસ દાખલ કર્યા હતા. તમામ કેસમાં સુરેન્દ્ર કોલી પર હત્યા, અપહરણ અને દુષ્કર્મ ઉપરાંત પુરાવાનો નાશ કરવાનો આરોપ લાગ્યા હતા. જ્યારે મોનિન્દર પર માનવ તસ્કરીનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો: સુખદુલ ઉર્ફે સુખા દુનીકે મર્ડર કેસ, બિશ્નોઈ ગેંગે લીધી હત્યાની જવાબદારી

Back to top button