વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ બ્રિજ પર તમામ ટ્રાયલ રહ્યા સફળ: આ દિવસથી દોડશે ટ્રેનો
- આઠ કોચવાળી ટ્રેનનું સફળ ટ્રાયલ, બ્રિજ ચેનાબના સ્તરથી 359 મીટર ઊંચાઈ પર
રિયાસી, 20 જુલાઇ: વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ બ્રિજ પર ટ્રેન દોડાવવાનું સપનું પૂર્ણ થવાના આરે છે. આ માટેની તમામ સલામતી ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે તેમજ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જો બધું બરાબર રહ્યું તો 15 ઓગસ્ટ સુધીમાં રિયાસીથી કાશ્મીર સુધી ટ્રેનમાં મુસાફરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે. આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે પ્રોજેક્ટનો એક ભાગ છે.તેમાંથી મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. એન્જિનિયરોએ દરેક પડકારને પાર કરીને એવો દાખલો બેસાડ્યો કે, આખી દુનિયા તેના વખાણ કરી રહી છે.
નવા રેલવે સ્ટેશન પર તૈયારીઓ કરવામાં આવી
રિયાસીમાં નવા બનેલા રેલવે સ્ટેશન પર તૈયારીઓ કરવામાં આવી છે. હવે માત્ર રેલવે મંત્રાલયના ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે. આશા છે કે, ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. આ સેવા શરૂ થવાથી મુસાફરો કાશ્મીરના રિયાસીથી બારામુલા સુધી મુસાફરી કરી શકશે. આ અંગેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
સંગલદાન સ્ટેશન સુધી ટ્રેનનું સંચાલન શરૂ
બારામુલાથી શ્રીનગર થઈને જમ્મુ ડિવિઝનના રામબન જિલ્લાના સંગલદાન સ્ટેશન સુધી ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગયા મહિને જમ્મુ ડિવિઝનના બનિહાલમાં સંગલદાનથી રિયાસી વચ્ચે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આઠ ડબ્બાવાળી ટ્રેનનું સફળતાપૂર્વક ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તમામ ટ્રાયલ રેલવે સેફ્ટી કમિશનર દિનેશ ચંદ દેશવાલની હાજરીમાં થઈ હતી.
ત્યારબાદ કટરા અને રિયાસી વચ્ચે 17 કિલોમીટરના અંતરે કામ ચાલી રહ્યું છે. આ વિભાગનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ વર્ષે કાશ્મીર રેલવે દ્વારા કાશ્મીરને દેશ સાથે સંપૂર્ણપણે જોડવામાં આવશે. ટ્રેન સેવા લોકો અને માલસામાનની સરળ અવરજવરને સરળ બનાવી અને સામાજિક એકીકરણને પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા છે.
આ પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ છે
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે. બનિહાલથી બારામુલા વાયા શ્રીનગર સુધીની રેલ કનેક્ટિવિટી પૂર્ણ થઈ ગઈ છે અને ટ્રેનો પણ દોડી રહી છે.
કટરાથી રેલવે દ્વારા બનિહાલ પહોંચવું સરળ ન હતું. તે એક ઉંચો પર્વતીય પ્રદેશ છે અને રસ્તામાં પહાડો અને નદી-નાળાઓ છે. એન્જિનિયરોએ દરેક પડકારને પાર કરીને એવું ઉદાહરણ રજૂ કર્યું કે આખી દુનિયા તેને વખાણી રહી છે.
આ પણ જૂઓ: ISRO ચીફે બનાવ્યો વધુ એક રેકોર્ડ, 61 વર્ષની ઉંમરે IIT-Madrasથી પૂર્ણ કરી આ વિષયમાં PHD