આગામી ગુરુવારના રોજ મધરાતથી રાજ્યના 44 હજાર એસટી કર્મચારીઓ સ્વયંભુ માસ સીએલ ઉપર જવાના છે અને 23મીના રોજ એસટી બસના પૈડા થંભાવી દેવાની ચિમકી ઉચ્ચારી છે ત્યારે કાલે અમદાવાદ (રાણીપ) ખાતે એસટી કર્મચારી મંડળના ત્રણેય યુનિયનનાં આગેવાનો તેમજ સમર્થકોની મહત્વની બેઠક મળી હતી. મંડળની ઓફિસમાં આગામી રણનીતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ 13 મુદ્દાની જે માંગણી છે તેમાંથી તમામ સ્વીકારવામાં આવે તો જ હડતાલ મોકૂફ રાખવા અને કોઇપણ પ્રકારની પાછીપાની નહીં કરી હડતાલ મક્કમ રીતે પાર પાડવાની છે તેવી બેઠકમાં સમર્થકોએ ચર્ચા કરી હતી.
સરકાર તરફથી હજુ કોઈ બેઠક માટે યુનિયનોને નથી બોલાવાયા !
દરમિયાન ગ્રેડ-પેના મુદ્દામાં સ્કેલ ટુ સ્કેલ લેવાની બાબતને પણ મંડળના આગેવાનો અને સમર્થકો વચ્ચે ચર્ચા થઇ હતી. મોંઘવારી ભથ્થામાં અન્ય રાજ્યના એસટી કર્મચારીઓને જે રીતે મળે છે તે પ્રમાણે જ મળે તેવી માંગણી થઇ હતી. રાજ્ય સરકારના કોઇ પ્રતિનિધિ કે વાહન વ્યવહાર મંત્રી તરફથી ત્રણેય મંડળના આગેવાનોને હજુ સુધી બેઠક બાબતે કોઇ સત્તાવાર બોલાવ્યાની વિગતો બહાર આવી નથી. સંકલનની બેઠકમાં ત્રણેય યુનિયનનાં આગેવાનો પૈકી ઇન્દુભા જાડેજા, કનકસિંહ ગોહિલ, બટુકસિંહ મકવાણા વિગેરેએ બંધ બારણે કલાકો સુધી મંડળની ઓફિસમાં આગળની રણનીતિ બાબતે ચર્ચા કરી હતી.
હક્ક મેળવવા માટે એસટી કર્મચારીઓને તા.21-22 અમદાવાદ ગીતા મંદિર ખાતે પહોંચવા આહ્વાન
સમગ્ર એસ.ટી.ના કર્મચારીઓ જો આપણે આ હડતાલમાં આપણાં પુરેપુરા હક્કો મેળવવા હશે તો તા.21અને તા.22-9-2022ના રોજ ગીતામંદિર ખાતે સ્વયંભુ જાગૃતિ કેળવી તમામ કમેચારીઓએ રાઉન્ડ ધ કલોક હાજરી આપવી પડશે, આ લડાઈ છેલ્લી અને પહેલી લડાઈ છે જો ગુજરાતભરના તમામ કર્મચારીઓ એક મહીના સુધી ગાંધીનગર ઘેરો ઘાલીને પોતાનો અવાજ બુલંદ કરી શકતા હોય તો આપણે તો ફક્ત બે દિવસ આપણી શક્તિની તાકાત બતાવવાની છે અને આપણે આ ત્રણેય યુનિયનોને સહકાર આપવાનો છે જો તેઓ કાંઈ પણ કાચું કાપીને કે અધુરો સ્વીકાર કરીને આવે તો આપણને મંજુર નથી અને તેનાં માટે તમામ કર્મચારીઓ ગીતામંદિર અમદાવાદ ખાતે આવો આપણે યુનિયનો અને કર્મચારીઓ સાથે મળીને આ લડાઈ મજબુત બનાવીએ તેમ શ્રમિક સેવા સંઘના અગ્રણી મુકેશસિંહ જાડેજાએ કર્મચારીઓને આહવાન કર્યું હતું.
લડાઈ માટે માત્ર બે દિવસ કાફી છે, સરકાર આપોઆપ આવશે
ડ્રાઈવર ભાઈઓ, કંડકટર ભાઈઓ અને બહેનો, મિકેનિકલ ભાઈઓ, ડ્રાઈવર કમ ક્ધડકટર ભાઈઓ તેમજ ફિક્સ પગારમાં નોકરી કરતાં તમાંમ કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહેવું, તમારી સાથે મુકેશસિંહ જાડેજા અને તેમની આખી ટીમ આપણાં હક્કો મેળવવાં માટે કટીબદ્ધ છે ત્રણેય યુનિયનોને સહકાર આપવા ગીતામંદિર ખાતે ભેગાં થવાનું છે તેથી કોઈ કર્મચારીઓએ મનમાં સંકોચ રાખ્યા વગર નિર્ભયપણે આવવું તેમ જાડેજાએ ઉમેર્યું હતું.