અધિક માસમાં માંગલિક કાર્યો નહીં, પરંતુ ધાર્મિક કાર્યો થઇ શકશે
- શ્રાવણ મહિનામાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યો થઇ શકશે
- અધિક મહિનામાં શ્રીમદ્ભાગવત્ પારાયણનું હોય છે વિશેષ મહત્ત્વ
- આ મહિનામાં છે જપ-દાન-અનુષ્ઠાન, મૌન વ્રતનો મહિમા
આજથી 18 જુલાઇથી અધિક શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. જોકે આ મહિનો અધિક શ્રાવણ હોવાથી શિવજીની પૂજાનું પણ વધુ મહત્ત્વ છે. આમ તો ચાતુર્માસ દરમિયાન માંગલિક કાર્યો પર પ્રતિબંધ હોય છે, પરંતુ અધિક માસમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યો થઇ શકે છે, પરંતુ માંગલિક કાર્યો પર પ્રતિબંધ હોય છે.
કયાં માંગલિક કાર્યો ન થઇ શકે
- યજ્ઞોપવિતસંસ્કાર, ગૃહારંભ, લગ્ન-વિવાહ
- ચૌલકર્મ, વાસ્તુ શાંતિ , સીમંત સંસ્કાર ,
- નવાં ઘરેણાં ધારણ કરવાં અને વ્રતોનાં ઉજવણાં
અધિક માસમાં દીપદાનનો સવિશેષ મહિમા
અધિક માસમાં દાનનો મહિમા છે. પરંતુ દીપદાનનો મહિમા સવિશેષ છે. તલના તેલનો દીવો અથવા ઘીનો દીવો દાનમાં આપવાનું માહાત્મ્ય શાસ્ત્રોમાં સૌથી વધુ છે.
કયા ધાર્મિક કાર્યો અધિક માસમાં થઇ શકે
- શ્રીમદ્ભાગવત્ પારાયણ
- પુરુષોત્તમ યજ્ઞ, વિષ્ણુ યાગ
- જપ-દાન-અનુષ્ઠાન
- મૌન વ્રતનો મહિમા, અધિક માસની કથાનું શ્રવણ
- એકટાણું વ્રત-ઉપવાસ કરવાં જેવા સત્સંગ કાર્ય થઇ શકે
અધિક માસમાં આ કામ ખાસ કરો
- રાધા-કૃષ્ણનું પૂજન-અર્ચન કરવું.
- તીર્થસ્નાનો અને સમુદ્રમાં સ્નાન કરવું.
- એકટાણું ભોજન કરી પ્રભુભક્તિ કરવી.
- આ માસમાં રોજ અથવા પૂનમ અને અમાસે વ્યતિપાત હોય ત્યારે 33 માલપૂવાનો પ્રભુને ભોગ ધરાવી કાંસાના પાત્રનો સંપુટ કરી સુતરથી વીંટાળીને દાન સંકલ્પ કરી દાન આપવાનો મહિમા છે.
- આ માસ દરમિયાન શ્રીમદ્ભાગવત કથાનું શ્રવણ-સ્મરણ, બ્રહ્મ ભોજન, ગાયને ભોજન કરાવવું.
- અધિક માસમાં શ્રીહરિને ખીરનો ભોગ લગાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- પીળી વસ્તુઓનું દાન ઉત્તમ માનવામાં આવે છે . જેમ કે પીળા કપડા કે પીળી દાળ
- તુલસી સામે ઘીનો દીવો જરૂરથી કરવો જોઈએ. આમ કરવાથી વિષ્ણુ ભગવાન અને માં લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે.
- અધિક માસમાં પીપળાના ઝાડ પર જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ.
અધિક માસમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ
અધિક મહિનામાં શ્રીમદ્દભાગવત ગીતા, શ્રીરામ કથા, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર અને ગીતાના પુરુષોત્તમ નામના 14 માં અધ્યાયનું વાંચન કરવું જોઇએ. જો તમે આ બધુ વાંચી શકતા નથી, તો તમારે દિવસમાં 108 વખત ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મહિનામાં ભોજનમાં ઘઉં, ચોખા, જવ, મગ, તલ, વટાણા, ચોળી, કાકડી, કેળા, આમળા, દૂધ, દહીં, ઘી, કેરી, હળદર, જીરું, સુંઠ, સિંધવ મીઠું, આમલી, પાન-સોપારી, મેથી વગેરે ખાઈ શકાય છે.
આ પણ વાંચોઃ રોજની આ આદતો મગજ કરશે ડેમેજ