અગ્નિપથ યોજનાને પડકારતી તમામ અરજી કેરળ હાઈકોર્ટે ફગાવી
- ભારતીય સૈન્યમાં ભરતીની પદ્ધતિ એ નીતિ વિષયક નિર્ણય છેઃ કેરળ હાઈકોર્ટ
- અગ્નિપથ વિરુદ્ધ અરજી કરનાર અરજદારો પાસે વિરોધની કોઈ નક્કર દલીલ કે કારણ નથીઃ હાઈકોર્ટ
કોચી (કેરળ), 24 ડિસેમ્બર: કેરળ હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી 28 ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ એન નાગરેશે રિટ પિટિશન ફગાવતા કહ્યું કે અરજદારોએ અગ્નિપથ સ્કીમને લઈ કોઈ નક્કર કારણો જણાવ્યાં નથી. તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય સૈન્યમાં ભરતીની પદ્ધતિ એ નીતિ વિષયક નિર્ણયો સાથે સંબંધિત બાબત છે જેનો નિર્ણય સરકાર પર છોડવો જોઈએ, કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરે છે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન થતું હોય ત્યાં સુધી અદાલતો સરકારના નીતિ વિષયક નિર્ણયોમાં દખલ કરી શકે નહીં.
અસ્થાયી અગ્નિપથ સ્કીમ યુવાનોને અસર કરશેઃ વકીલ
અરજીકર્તાઓએ 2020ની માહિતી અધિકારને આધારે ભારતીય સેનામાં ભરતી માટે અરજી કરી હતી. 2022માં, કેન્દ્ર સરકારે સેનામાં ભરતી પ્રક્રિયા રદ કરી અને 4 વર્ષ માટે યુવાનો માટે લશ્કરી સેવામાં ભરતી માટે અગ્નિપથ યોજના જારી કરી. અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે, તેઓએ મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા અને ભારતીય સેનામાં ભરતી થવાની કાયદેસરની અપેક્ષા હતી. એવી દલીલ કરાઈ હતી કે, ભરતી પ્રક્રિયાને પડતી મૂકીને અગ્નિવીર તરીકે અસ્થાયી રૂપે ચાર વર્ષ માટે તેમનું રજીસ્ટ્રેશન ગેરકાયેદસર અને મનસ્વી હતું. અગ્નિપથ યોજના અવૈજ્ઞાનિક છે અને સરકારે યુવાનોના જીવન પર તેની સામાજિક અસરને ધ્યાનમાં લીધી નથી. વધુમાં એવી પણ રજૂઆત કરી કે, ચાર વર્ષની અસ્થાયી નોકરી બાદ યુવાનોના લગ્ન માટે પણ મુશ્કેલી નડી શકે છે.
ભારતના ડેપ્યુટી સોલિસિટર જનરલ મનુ એસ, સ્ટેન્ડિંગ કાઉન્સેલ એ એસ પી કુરુપે રજૂઆત કરી હતી કે અગ્નિપથ યોજના સરહદની સ્થિતિનું સંચાલન કરવા અને સરહદો દ્વારા ઘૂસણખોરી અટકાવવા માટે બનાવવામાં આવી હતી. ભારતીય સેનાને સરહદોની સુરક્ષા માટે શારીરિક રીતે ફિટ યુવાનોની જરૂર છે. એવી દલીલ પણ કરાઈ કે અગ્નિપથ યોજના યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને ફ્રાન્સમાં અનુસરવામાં આવેલા ‘ઇનટેક અને રીટેન્શન’ મોડલ તરીકે ઓળખાતા ટૂંકા ગાળાના લશ્કરી જોડાણના ખ્યાલ પર આધારિત હતી.
કોર્ટે રિટ પિટિશન ફગાવી દીધી
કોર્ટે કહ્યું કે, અગ્નિપથ સ્કીમમાં જોડાયેલા અધિકારી ચાર વર્ષ સુધી સેવા કર્યા બાદ તેમાંથી 25% અગ્નિવીરોને ભારતીય સેનામાં ભરતી કરવામાં આવશે. અદાલતે એ પણ નોંધ્યું છે કે તમામ અગ્નિવીરોને એક કૌશલ્ય પ્રમાણપત્ર અપાશે જેનો ઉપયોગ કરીને તેઓ સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં અન્ય નોકરીઓ માટે અરજી કરી શકશે. તેમાં એ પણ જણાવાયું હતું કે સરહદો પરના પડકારો અને અન્ય દેશોમાં દળોમાં ફરજ બજાવતા યુવાનોને જોઈને સરકાર દ્વારા અગ્નિવીર તરીકે ભરતી માટેની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 17 ½ વર્ષ કરવામાં આવી હતી. જે મુજબ કોર્ટે રિટ પિટિશન ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: મહિલા અનામત બિલઃ અરજીને ધ્યાનમાં લેવા હાઈકોર્ટેનો ઇનકાર