નેશનલ

સંસદના શિયાળુ સત્રમાં મહિલા અનામત બિલ લાવવાની તમામ પક્ષોની માંગ

સંસદનું શિયાળુ સત્ર આવતીકાલે બુધવાર (7 ડિસેમ્બર)થી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા ફરી એકવાર મહિલા અનામત બિલને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેડીયુ સહિત અનેક વિપક્ષી દળોએ, જેમણે એક સમયે તેનો વિરોધ કર્યો હતો, તેમણે આ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરીને પસાર કરવાની માંગ કરી છે. વિપક્ષી પાર્ટીઓએ શિયાળુ સત્રને લઈને મંગળવારે યોજાયેલી બે મહત્વપૂર્ણ બેઠકોમાં મહિલા અનામત બિલનો મુદ્દો ઉઠાવ્યો હતો. શિયાળુ સત્ર પહેલાં, સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી) ની બેઠક યોજાઈ હતી.

સર્વપક્ષીય બેઠકમાં બીજેડી નેતા સસ્મિત પાત્રાએ માંગ ઉઠાવી

રક્ષા મંત્રી અને લોકસભામાં ઉપનેતા રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં બીજેડી નેતા સસ્મિત પાત્રાએ આ માંગણી ઉઠાવી હતી. ટીએમસી, કોંગ્રેસ, એનસીપી અને ટીઆરએસ સહિત અન્ય વિપક્ષી દળોએ પણ માંગને સમર્થન આપ્યું હતું. TMC નેતા સુદીપ બંદોપાધ્યાય અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ BACની બેઠકમાં આ માંગણી ઉઠાવી હતી. ડીએમકે, એસએડી અને જેડીયુએ તેમને ટેકો આપ્યો હતો અને માંગ કરી હતી કે આ મુદ્દા પર સર્વસંમતિ પર પહોંચવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે.

TMC, SAD, JDU પણ સમર્થન માટે તૈયાર

ટીએમસી સાંસદ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં અનેક પક્ષો દ્વારા આ માંગણી કરવામાં આવી હતી અને અમે સરકારને સૂચન કર્યું હતું કે તેણે આ મુદ્દે સર્વસંમતિ પર પહોંચવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. દરમિયાન SAD નેતા હરસિમરત કૌર બાદલે તેનું સમર્થન કર્યું અને કહ્યું કે બિલ પસાર કરવાનો અને મહિલાઓને તેમના અધિકારો આપવાનો સમય આવી ગયો છે.  જેડીયુના નેતા રાજીવ રંજન સિંહે કહ્યું કે, મહિલાઓને સશક્ત કરવાનો સમય આવી ગયો છે અને સરકારે આ બિલ લાવવું જોઈએ અને અમે તેનું સમર્થન કરીશું.

આ બિલ સૌપ્રથમ 1996માં રજૂ કરવામાં આવ્યું હતું

લાંબા સમયથી મહિલા અનામત બિલ હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બિલ સૌપ્રથમવાર 1996માં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. આ ખરડો 2010માં રાજ્યસભામાં પસાર થયો હતો, પરંતુ 2014માં 15મી લોકસભાના વિસર્જન બાદ તે સમાપ્ત થઈ ગયો હતો. મહત્વનું છે, લોકસભામાં પેન્ડિંગ કોઈપણ બિલ ગૃહના વિસર્જન સાથે સમાપ્ત થઈ જાય છે. રાજ્યસભામાં પેન્ડિંગ બિલોને ‘લાઇવ રજિસ્ટર’માં રાખવામાં આવે છે અને પેન્ડિંગ રહે છે.

Back to top button