સૌરાષ્ટ્રના મતદાતાઓને આકર્ષવા તમામ પક્ષ સક્રિય, PM મોદી સુરેન્દ્રનગર, રાહુલ રાજકોટમાં તો અરવિંદ અમરેલીમાં સભા સંબોધશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત મતદાનને હવે ગણતરીના જ દિવસો રહ્યાં છે, ત્યારે મતદાતાઓને પોતાની તરફ ખેંચવા માટે દરેક રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદી છેલ્લાં બે દિવસથી ચૂંટણી પ્રચારનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું છે, અને એક પછી એક અનેક સભાઓ સંબોધી રહ્યાં છે. તો અમિત શાહ સહિતના કેન્દ્રીય નેતાઓ પણ જોરશોરથી સભાઓ ગજવી રહ્યાં છે. આ ઉપરાંત દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ પણ સભા-રોડ શો કરી રહ્યાં છે. તો બીજી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છે.
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રમાં મતદાન થવાનું છે, ત્યારે સૌરાષ્ટ્રની વધુને વધુ બેઠક જીતવા તમામ રાજકીય પાર્ટીઓએ પ્રયાસ શરૂ કરી દીધા છે. જે અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સૌરાષ્ટ્રના અનેક સ્થળે સભા ગજવશે
સૌરાષ્ટ્રમાં નેતાઓના ધાડેધાડા
ગઈકાલ વડાપ્રધાન મોદીએ સૌરાષ્ટ્રમાં ચાર જેટલી સભાઓ સંબંધી હતી ત્યારે આજે પણ વડાપ્રધાન સુરેન્દ્રનગરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ કોંગ્રેસના દિગજ નેતા રાહુલ ગાંધી પણ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે અને રાજકોટ ખાતે તેઓ પણ એક સભાને સંબોધન કરશે. આ ઉપરાંત આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ અમરેલી ખાતે એક રોડ શો કરશે, જ બાદ સભા પણ સંબોધશે.
અમિત શાહ આજે ચાર જેટલી સભાને સંબોધન કરશે
ગૃહ મંત્રી અમિત શાહ પણ આજે સૌરાષ્ટ્રમાં ચાર જેટલી સભાઓને સંબોધન કરશે. બપોરે ખંભાળિયા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ કોડીનાર ખાતે પણ એક સભાને સંબોધન કરશે અને ત્યારબાદ જૂનાગઢના માળિયા હાટીના ખાતે પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સાંજે તેઓ ભુજ ખાતે પણ એક જાહેર સભાને સંબોધશે.