સુરત મહાનગરપાલિકાના તમામ નુતન પ્રોજેકટો અગત્યના અને જરૂરી : CM ભુપેન્દ્રભાઇ પટેલ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા સુરત ડુમસ ટુરિઝમ પ્રોજેક્ટ, સુરત મહાનગર પાલિકાનું આઇકોનિક બિલ્ડિંગ, તાપી શુદ્ધીકરણ પ્રોજેક્ટ, ગાંધીસ્મૃતિ ભવન, સ્મારક શહીદ ભવન તેમજ બેરેજ પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રોજક્ટેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકાના તમામ નુતન પ્રોજેક્ટો માટે જરૂરી તમામ નાણાકીય સહયોગ કરાશે.
દરખાસ્ત સાથે ગાંધીનગર આવવા જણાવ્યું
સુરત મહાનગરપાલિકાના તમામ નુતન પ્રોજેક્ટો દરેક રીતે જરૂરી પ્રોજેક્ટો છે અને તેમાં સુરત શહેરીજનો માટે જરૂરી અને મહત્વના પ્રોજેક્ટો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, તમામ પ્રોજેક્ટની વિગતો સાથે ગાંધીનગર આવો અને પંકજ જોષી (પૂર્વ કમિશ્નર મનપા સૂરત) સાથે બેસીને વિવિધ દરખાસ્તો તૈયાર કરી રજૂ કરો. આજે યોજાયેલી બેઠકમાં શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, જિલ્લા કલેક્ટર આયુષ ઓક સહિત અધિકારીઓ ઉપસ્થિ રહ્યા હતા.
કેન્દ્રીય – રાજ્ય મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત
આ બેઠકમાં સાંજે સરકીટ હાઉસ ખાતે સાસંદ સી.આર.પાટીલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, નાણા તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણ તથા જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા, ધારાસભ્ય સંદિપભાઇ દેસાઇ, સંગીતાબેન પાટીલ, પુર્ણેશભાઇ મોદી, કિશોરભાઇ કાનાણી, વિનોદભાઇ મોરડીયા, કાંતિભાઇ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદભાઇ રાણા, મનુભાઇ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઇ પટેલ તેમજ સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.