રાજકોટ જિલ્લાના મધ્યાહન ભોજન કેન્દ્રના તમામ સંચાલકો, રસોઇયા, હેલ્પર કાલથી હડતાલ ઉપર
રાજ્યમાં 96 હજાર જેટલા મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા સંચાલકો, હેલ્પર, રસોઇયા સહિતના કર્મચારીઓ છેલ્લા દસેક દિવસથી હડતાલ ઉપર છે. અગાઉ ગાંધીનગર ખાતે ધરણા ઉપર હતા ત્યારબાદ તા. 20મીથી અચોક્કસ મુદ્દતની હડતાલની ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન રાજકોટ જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા કલેકટરને લેખીતમાં રજૂઆત કરી તા. 1-10-22થી રાજકોટ જિલ્લાના તમામ મધ્યાહન ભોજનનાં કેન્દ્રો પગાર વધારાના પડતર પ્રશ્ર્નોને ધ્યાનમાં રાખી જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવા બાબતે દર્શાવ્યું હતુ.
અગાઉ કલેક્ટરને આવેદન બાદ મામલતદારને પણ હડતાળની કરી દીધી જાણ
અત્રે એ ઉલ્લેખનિય છે કે, દરેક તાલુકા મથકો ઉપર મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના સંચાલકોએ મામલતદારને આવેદન આપી કાલથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જઇએ છીએ તેમ સ્પષ્ટ જણાવી દીધુ હતુ. વધુમાં આવેદનમાં કલેકટરને રાજકોટ જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા જણાવ્યું છે કે, લાંબા સમયથી કર્મચારીઓની માંગ પેન્ડિંગ છે અગાઉ અનેક વખત રાજ્ય સરકારને આવેદનપત્ર, ધરણા, રેલી કાઢી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કર્યા હતા આમ છતાં માનદ વેતનમાં કોઇ વધારો થયો નથી. તા. પ ઓકટોબર સુધીમાં પ્રશ્ર્નોનું નિરાકરણ આવી જશે તેમ જણાવ્યું હતુ, સરકાર હકારાત્મક વલણ અપનાવી રહી છે તેવી મૌખિક ખાત્રી બાદ કોઇ જાહેરાત ન થતાં કાલથી જિલ્લાના તમામ કેન્દ્રો સજ્જડ બંધ રહેશે.