અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભ માટેની એક કલાકમાં GSRTCની તમામ 1360 ટિકિટ બુક


- એક કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ વેચાઇ
- માત્ર ગણતરીના સમયમાં 30 દિવસની તમામ ટિકિટ બુક
- આ સ્પેશિયલ બસમાં 46 મુસાફરોના બેસવાની ક્ષમતા
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન GSRTC દ્વારા હાલમાં યોજાઇ રહેલા મહાકુંભમાં જવા માગતા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ બસ શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. આ બસ માટે ટિકિટ બુકિંગ શરૂ કરાયું તેના એક કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ વેચાઇ ગઇ છે.
માત્ર ગણતરીના સમયમાં 30 દિવસની તમામ ટિકિટ બુક
માત્ર ગણતરીના સમયમાં 30 દિવસની તમામ ટિકિટનું વેચાણ થઇ જતાં અનેક શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા. આગામી 27 જાન્યુઆરીના આ બસ સેવાનો પ્રારંભ થશે. આ બસ દરરોજ સવારે 7 વાગે અમદાવાદના રાણીપ એસ.ટી. ડેપોથી પ્રયાગરાજ જવા નીકળશે. 3 દિવસ-4 રાત માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 8100નું ભાડું ધરાવતી આ બસ માટે ટિકિટ બુકિંગનો 25મીએ રાતના 12 કલાકે પ્રારંભ થયો હતો. ટિકિટ બુકિંગ શરૂ કરાયાના એકાદ કલાકમાં જ 25 ફેબ્રુઆરી સુધીની તમામ 1380 ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. સવાર પડતાં જ ટિકિટ બુક કરાવનારાએ જ્યારે બુકિંગ માટે પ્રયાસ કરતાં 25 ફેબ્રુઆરી સુધી બુક બતાવતા તેઓ નિરાશ થયા હતા.
આ સ્પેશિયલ બસમાં 46 મુસાફરોના બેસવાની ક્ષમતા
એસટી દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ બસમાં 46 મુસાફરોના બેસવાની ક્ષમતા છે. આગામી 30 દિવસમાં 1380 મુસાફરો અમદાવાદથી મહાકુંભ માટે જશે. આ તમામ ટિકિટના વેચાણથી એસટીને અંદાજે રૂપિયા 1.11 કરોડથી વધુની આવક થઇ છે. હવે આગામી દિવસોમાં મહાકુંભ માટે આ પ્રકારના પેકેજ ધરાવતી વધુ સ્પેશિયલ બસ શરૂ કરવામાં આવે તેવી પણ સંભાવના છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરાથી પણ મહાકુંભમાં જવા એસટીની સ્પેશિયલ બસ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: કોલ્ડપ્લે કોન્સર્ટના સ્થળે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપો તેવા બેનરો જોવા મળ્યા