ટ્રેન્ડિંગનેશનલ

બિલ્કિસ બાનો કેસના તમામ 11 દોષિતોએ ગોધરા જેલમાં સરન્ડર કર્યું

Text To Speech

નવી દિલ્હી, 22 જાન્યુઆરી:  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બિલ્કિસ બાનો બળાત્કાર કેસના તમામ 11 આરોપીઓએ રવિવારે મોડી રાત્રે કડક પોલીસ દેખરેખ હેઠળ ગોધરા સબ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસના આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફી રદ કર્યા બાદ, તેઓને 21 જાન્યુઆરી સુધીમાં જેલમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તમામ 11 દોષિતો બે ખાનગી વાહનોમાં 21 જાન્યુઆરીએ સિંગવડ રણધિકપુરથી ગોધરા સબ જેલ પહોંચ્યા અને સરેન્ડર કર્યું હતું.

દોષિતોએ આત્મસમર્પણ કર્યું

સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર એનએલ દેસાઈએ PTIને જણાવ્યું હતું કે, તમામ 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. મહત્ત્વનું છે કે, 8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે હાઈ-પ્રોફાઈલ કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફી રદ કરી હતી. કોર્ટે 2022માં સ્વતંત્રતા દિવસ પર અકાળે મુક્ત થયેલા દોષિતોને બે અઠવાડિયાની અંદર જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.

થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે ગુનેગારોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની અરજીને ફગાવી દીધી હતી અને તેમને કોઈપણ સંજોગોમાં રવિવાર સુધીમાં આત્મસમર્પણ કરવા કહ્યું હતું. 11 દોષિતોમાં બકાભાઈ વહોનિયા, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, ગોવિંદ નાઈ, જસવંત નાઈ, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરઢીયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ ચંદના અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોના આતંકમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે બિલકીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. એટલું જ નહીં, આરોપીએ તેના પરિવારના સભ્યોની પણ હત્યા કરી નાખી હતી. આમાં બિલ્કીસની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: બિલ્કિસ બાનો કેસમાં વધુ બે દોષિતોએ સુપ્રીમ કોર્ટના ખખડાવ્યા દરવાજા

Back to top button