આલિયા ભટ્ટના માતા બન્યા બાદ ભાવુક થયા પિતા મહેશ ભટ્ટ


અભિનેત્રી આલિયા ભટ્ટે હાલમાં જ એક બાળકીને જન્મ આપ્યો છે. આલિયા ભટ્ટ માતા બનવાના સમાચાર સામે આવતા જ મનોરંજન જગતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તેના મિત્રોથી લઈને ઈન્ડસ્ટ્રીના ફેન્સ આ ખાસ અવસર પર અભિનેત્રીને સતત અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ પણ આ પ્રસંગે ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.
મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી : મહેશ ભટ્ટ
આલિયા ભટ્ટ માતા બનવાના સમાચાર પર અભિનેત્રીના પિતા અને નિર્દેશક મહેશ ભટ્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે- હું આ સમયે મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. આ બાળકી રણબીર અને આલિયાને એકબીજાની નજીક લાવશે. તેમણે કહ્યું કે રણબીર અને આલિયાની સાથે બંને પરિવાર માટે આ ખૂબ જ કિંમતી ક્ષણ છે.

વિશ્વાસ નથી થતો કે મારી દીકરી એક દીકરીની માતા બની ગઈ છે : મહેશ ભટ્ટ
તેમણે આગળ કહ્યું કે એવું લાગે છે કે આ હજી ગઈકાલની જ વાત છે, જ્યારે આલિયા એક નાની છોકરી હતી, જે મારા ખોળામાં રમતી હતી અને આજે તે પોતે એક દીકરીની માતા બની ગઈ છે. સાચું કહું તો વિશ્વાસ નથી થતો કે મારી દીકરી એક દીકરીની માતા બની ગઈ છે. મહેશ ભટ્ટે જણાવ્યું કે જ્યારે તેમને તેમની પત્ની સોની રાઝદાનનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. સોનીએ જે રીતે મને આ સારા સમાચાર આપ્યા તે હું શબ્દોમાં ક્યારેય વ્યક્ત કરી શકીશ નહીં.

એપ્રિલમાં લગ્ન,જૂનમાં પ્રેગ્નન્સી અને નવેમ્બરમાં પુત્રીનો જન્મ
અત્રે ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વર્ષે 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ તેમના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા, જેમાં ફક્ત નજીકના લોકો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. લગ્નના થોડા સમય બાદ આલિયાએ જૂન 2022માં તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી, ત્યારબાદ 6 નવેમ્બરે અભિનેત્રીએ મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં એક પુત્રીને જન્મ આપ્યો હતો.