- દેવ પટેલ, સત્ય નાડેલા સહિત 8 ભારતીયોને સ્થાન મેળવ્યું
HD ન્યૂઝ ડેસ્ક, 18 એપ્રિલ: ટાઇમ મેગેઝિન દ્વારા 2024ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં એવા કલાકારો, આઇકન, ફિલ્મ સ્ટાર્સ, એથ્લેટ્સ, વિજ્ઞાનીઓ, રાજકારણીઓ અને બિઝનેસ લીડર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે તેમના કામ દ્વારા પ્રભાવ પાડ્યો છે. યાદીને કલાકારો, આઇકન અને ટાઇટન્સ જેવી ઘણી શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. ટાઇમ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલી આ વાર્ષિક યાદી વિવિધ દેશોમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની ઓળખ કરે છે. ઘણા ભારતીયો અને ભારતીય મૂળના લોકોએ આ નવીનતમ યાદીમાં સ્થાન મેળવ્યું છે. જાણો, કોને કોને આ યાદીમાં સ્થાન મળ્યું છે
The 2024 #TIME100 is here.
Introducing our list of the 100 most influential people in the worldhttps://t.co/DQApCxZRoZ
— TIME (@TIME) April 17, 2024
1. સાક્ષી મલિક
ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય કુસ્તીબાજ સાક્ષી મલિકને ટાઈમ મેગેઝીન દ્વારા તેની યાદીમાં સામેલ કરવામાં આવી છે. કુશ્તીમાં ભારતની એકમાત્ર મહિલા ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષીને ભારતીય રેસલિંગ ફેડરેશન (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણી સામેની લડાઈ માટે યાદીમાં સામેલ કરવામાં આવી છે. સાક્ષી મલિકે બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા વિનેશ ફોગાટ અને ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ વિજેતા બજરંગ પુનિયા સાથે દિલ્હીના જંતર મંતર ખાતે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.
2. આલિયા ભટ્ટ
ટાઈમ મેગેઝિન માટે પોતાના લેખમાં બ્રિટિશ ફિલ્મ નિર્દેશક ટોમ હાર્પરે આલિયા ભટ્ટને અદભૂત પ્રતિભા ગણાવી છે. આલિયા ભટ્ટને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. તે ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે અને ગુચીની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેણીએ ગયા વર્ષે નેટફ્લિક્સ શો “હાર્ટ ઓફ સ્ટોન” દ્વારા આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
3. દેવ પટેલ
દેવ પટેલ ભારતીય મૂળના બ્રિટિશ અભિનેતા છે. તેમના માતા-પિતા ભારતીય ગુજરાતી હિન્દુ છે. દેવ પટેલે “સ્લમડોગ મિલિયોનેર” થી મોટા પડદે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મે તેને 2008માં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી. તેણે આ વર્ષે ‘મંકી મેન’ ફિલ્મથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી.
4. સત્ય નાડેલા
માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા ત્રીજી વખત ટાઇમના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ થયા છે. OpenAlમાં Microsoftના રોકાણ અને Mistral Al સાથે ભાગીદારી સાથે, નડેલા વધતી જતી AI મુવમેન્ટમાં મોખરે છે. સત્ય નડેલાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં જતા પહેલા કર્ણાટકની મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી સ્નાતક થયા હતા.
5. અજય બંગા
ભારતમાં જન્મેલા અજય બંગા આજે વિશ્વ બેંકના પ્રમુખ છે. ટાઈમ માટેના તેમના લેખમાં, US ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને બંગાને એક આવશ્યક સંસ્થાનું પરિવર્તન કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય હાથ ધરવા સક્ષમ કુશળ નેતા તરીકે વર્ણવ્યું હતું. બંગાનો જન્મ પુણેમાં થયો હતો અને તેમણે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તે 2007માં યુએસ નાગરિક બન્યા હતા.
6. જીગર શાહ
યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી લોન પ્રોગ્રામ ઓફિસના ડિરેક્ટર રિચાર્ડ બેન્સન કહે છે કે, જિગર શાહે વિશ્વમાં અત્યાર સુધી જોયેલા સૌથી મોટા આર્થિક વિકાસ કાર્યક્રમોમાંના એકનું નેતૃત્વ કર્યું છે. તેનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ જ્યારે તે એક વર્ષના હતા ત્યારે તે યુનાઇટેડ સ્ટેટ્સ ચાલ્યા ગયા હતા.
7. અસ્મા ખાન
ભારતીય મૂળની બ્રિટિશ નાગરિક અસમા ખાન એક રેસ્ટોરન્ટની માલિક અને કુકબુક લેખક છે. લંડનમાં તેમનું રેસ્ટોરન્ટ દાર્જિલિંગ એક્સપ્રેસ તેના ઓલ ફિમેલ કિચન માટે પ્રખ્યાત છે. અસ્મા વિશે પદ્મ લક્ષ્મીએ ટાઈમ માટે લખ્યું કે, ‘અસ્મા દ્વારા બનાવવામાં આવેલું ભોજન આશ્ચર્યજનક છે. જેનો સ્વાદ રેસ્ટોરન્ટના ફૂડ જેવો હોતો નથી પરંતુ ઘરના ફૂડ જેવો હોય છે અને તે એક સૌથી મોટું કોમ્પ્લીમેન્ટ છે.
8. પ્રિયમવદા નટરાજન
પ્રિયમવદા નટરાજન યેલ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર છે. તે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીના મેપિંગમાં તેમના કામ માટે જાણીતા છે. નટરાજનનો જન્મ તમિલનાડુમાં થયો હતો અને તેમણે આર.કે. પુરમની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
આ પણ જુઓ: ગૃહમંત્રી અમિત શાહે પ્રચાર શરૂ કર્યોઃ ચોતરફ કેસરિયો લહેરાયો, આકરી ગરમીમાં જનમેદની ઉમટી