પંજાબથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ ‘વારિસ પંજાબ દે’ના ચીફ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પર હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો તેમના પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. તેની આડમાં પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. એજન્સીઓએ પંજાબ પોલીસને આ આશંકા અંગે જાણ કરી છે. આ ઉપરાંત આવા તત્ત્વો પર પણ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
110 થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન
બીજી તરફ, એલર્ટ વચ્ચે, પંજાબ પોલીસે ગુરુવારે દેશ વિરોધી અને અસામાજિક તત્વો સાથે જોડાયેલા 110 થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનમાં 1000થી વધુ કર્મચારીઓની 110 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન શંકાસ્પદ લોકોના ઘરેથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ સિવાય મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી પણ ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. કેટલાક શકમંદોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે દરોડા
પંજાબ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ગૌરવ યાદવના આદેશ પર રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. એડીજીપી (કાયદો અને વ્યવસ્થા) અર્પિત શુક્લાએ જણાવ્યું હતું કે તમામ સીપી અને એસએસપીને આ દરોડાઓ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખવા અને જરૂરી સંખ્યામાં પોલીસ ટીમો બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.