નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક અને ટેસ્લાના વડા એલોન મસ્કે આખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદી લીધું છે. મસ્કે ટ્વિટર સાથે 44 બિલિયન US ડોલરમાં આ ડીલ ફાઇનલ કરી છે. ડીલની જાહેરાત બાદ જ એલોન મસ્કે ફ્રી સ્પીચ વિશે ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં મસ્કે ફ્રી સ્પીચના મહત્વ પર ભાર મૂક્યો હતો. મસ્કે લખ્યું છે કે, ‘વાણી સ્વાતંત્ર્ય લોકશાહીનો પાયાનો પથ્થર છે. ટ્વિટર એ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે, જ્યાં માનવતા માટે ભવિષ્યના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.’
એલન મસ્કનું ટ્વીટ જોવા માટે અહીં ક્લિક કરો.
હું કંપની સાથે કામ કરવા આતુરઃ મસ્ક
મસ્કે પોતાના ટ્વીટમાં કહ્યું કે, હું ટ્વિટરને નવા ફીચર્સ, ઓપન સોર્સ એલ્ગોરિધમ્સ સાથેની પ્રથમ સારી પ્રોડક્ટ બનાવવા માંગુ છું. વધુમાં, સ્પામર્સને હરાવીને વિશ્વાસ વધારવા માટે અલ્ગોરિધમને ઓપન સોર્સ બનાવી અને તમામ મનુષ્યો માટે પ્રમાણિત કરી શકાય છે. ટ્વિટર પાસે મોટી ક્ષમતા છે. હું કંપની સાથે કામ કરવા આતુર છું.
મસ્કને અભિનંદન સંદેશા મળવા લાગ્યા
અગાઉ ટ્વિટર ખરીદવાના સમાચાર પછી મસ્કને અભિનંદન આપતા સંદેશાઓ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યા હતા. સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલીએ ટાઉનમાં ન્યૂ શેરિફ એલોન મસ્કને ટ્વીટમાં અભિનંદન પાઠવ્યા હતા. તો વળી, એક યુઝરે લખ્યું કે, ‘ઈલોન મસ્ક હવે અમારા ટ્વિટર લેન્ડલોર્ડ છે.’