ટોપ ન્યૂઝનેશનલ

અલ-કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી; દિલ્હી-મુંબઈ સહિતના શહેરો ટાર્ગેટ પર

Text To Speech

નેશનલ ડેસ્કઃ આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. અલ કાયદાએ 6 જૂને જારી કરેલા તેના સત્તાવાર પત્રમાં ધમકી આપી છે કે તે ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમાં આત્મઘાતી હુમલા કરવા તૈયાર છે. ટીબીની ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીને લઈને અલ કાયદા દ્વારા આ ધમકી આપવામાં આવી છે.

અલ કાયદાએ કહ્યું કે, ‘તે પયગમ્બરના સન્માન માટે લડવા માટે દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરશે. અલકાયદાના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારા પ્રોફેટનું અપમાન કરનારાઓને અમે મારી નાખીશું અને અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરનારાઓને ઉડાવી દેવા માટે અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીર પર વિસ્ફોટકો બાંધીશું. ભગવા આતંકવાદીઓએ હવે રાહ જોવી પડશે. તેમનો અંત દિલ્હી, બોમ્બે, યુપી અને ગુજરાતમાં.’

તેના પત્રમાં, આતંકવાદી સંગઠને કહ્યું, ‘થોડા દિવસો પહેલાં એક હિન્દુત્વ પ્રચારકે ચર્ચા દરમિયાન ઇસ્લામ અને પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું હતું. તેમના નિવેદનોએ વિશ્વભરના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમની માટે કોઈ માફી કે દયા નથી, મળશે પણ નહીં. આ બાબત નિંદા કે દુ:ખના શબ્દોથી બંધ કરવામાં આવશે નહીં. અમે પયગંબરનાં અપમાનનો બદલો લઈશું. અમે અન્ય લોકોને લડાઈમાં જોડાવા માટે કહીશું.’

દિલ્હી પોલીસ નુપુર શર્મા સહિત પરિવારને સુરક્ષા પૂરી પાડે છે
દિલ્હી પોલીસે નૂપુર શર્મા અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડી છે, જેમને પયગંબર મોહમ્મદ વિરુદ્ધની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી હાંકી કાઢવામાં આવી હતી. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. અગાઉ દિલ્હી પોલીસે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા શર્માને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાની ફરિયાદના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી. શર્માએ પોલીસને તેમને મળી રહેલી ધમકીઓને ટાંકીને સુરક્ષા પૂરી પાડવા વિનંતી કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘શર્માએ આરોપ લગાવ્યો હતો કે તેને ધમકીઓ મળી રહી છે અને તેની ટિપ્પણી માટે હેરાન કરવામાં આવી રહ્યો છે, જેના પગલે તેને અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.’

મુસ્લિમ દેશોએ આકરી ટીકા કરી
પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણીની ઘણા મુસ્લિમ દેશો દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. આ દરમિયાન ભાજપે રવિવારે શર્માને સસ્પેન્ડ કરી દીધી હતી અને તેના દિલ્હીના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને હાંકી કાઢ્યા હતા. મુસ્લિમ સંગઠનોના વિરોધ અને કુવૈત, કતાર અને ઈરાન જેવા દેશોની તીક્ષ્ણ પ્રતિક્રિયા વચ્ચે ભાજપે એક નિવેદન બહાર પાડ્યું હતું કે, ‘તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોના અપમાનની સખત નિંદા કરે છે.’

લગભગ 10 દિવસ પહેલાં ટીવી પર એક ચર્ચામાં નૂપુર શર્માની ટિપ્પણીઓ અને જિંદાલની વાંધાજનક ટ્વિટ વિરુદ્ધ ટ્વિટર પર એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું,. જેમાં કેટલાક દેશોમાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરવામાં આવી હતી. કાર્યવાહી બાદ નુપુર શર્માએ ટીવી ચર્ચામાં આપેલા તેના વિવાદાસ્પદ નિવેદનને બિનશરતી રીતે પાછું ખેંચી લીધું હતું અને દાવો કર્યો હતો કે તેણીની ટિપ્પણી તેના આરાધ્ય મહાદેવના સતત અપમાન અને અણગમાના જવાબમાં આવી હતી.

Back to top button