અલકાયદાનો આતંકી ખાલિદ અલ-બતરફી ઠાર મરાયો, તેના માથે 5 મિલિયન ડૉલરનું ઈનામ હતું
- આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ખુદ જાહેર કર્યું કે ખાલિદ અલ-બતરફીને ઠાર મારવામાં આવ્યો
સના, 11 માર્ચ: યમનની અલ-કાયદા બ્રાન્ચના નેતા ખાલિદ અલ-બતરફીને ઠાર મારવામાં આવ્યો છે. ખુદ આતંકવાદી સંગઠન અલ-કાયદાએ રવિવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકી સરકારે અલ-કાયદા ઇન અરેબિયન પેનિન્સુલા (AQAP) જૂથનું નેતૃત્વ કરનારા ખાલિદ અલ-બતરફી પર 5 મિલિયન ડોલરના ઈનામની જાહેરાત કરી હતી. AQAP તેના સ્થાપક ઓસામા બિન લાદેનની હત્યા બાદ પણ સક્રિય ઉગ્રવાદી જૂથની સૌથી ખતરનાક શાખા માનવામાં આવે છે.
અલ-કાયદા દ્વારા વીડિયો જાહેર કરવામાં આવ્યો
અલ-કાયદાએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં અલ-બતરફી કાળા અને સફેદ અલ-કાયદાના ઝંડામાં લપેટાયેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં બતરફીના મૃત્યુના કારણ વિશે કોઈ વિગતો આપવામાં આવી નથી અને તેના ચહેરા પર ઈજાના કોઈ દ્રશ્યમાન ચિહ્નો દર્શાવવામાં આવ્યા નથી. એવું માનવામાં આવે છે કે, અલ-બતરફી લગભગ 40 વર્ષનો હતો.
નવા નેતાની પણ જાહેરાત કરવામાં આવી ?
‘SITE ઈન્ટેલિજન્સ ગ્રુપ’ના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ એક વીડિયો જાહેર કરીને બતરફીને ઠાર મારવામાં આવ્યો હોવાની જાણકારી આપી હતી. સંસ્થાએ આ જાહેરાત રમઝાન પર્વ પર કરી હતી. યમનમાં આજે સોમવારથી મુસ્લિમોનો પવિત્ર માસ શરૂ થયો છે. ત્યારે યમનમાં તેણે જાહેરાત કરી છે કે સાદ બિન અતેફ અલ-અવલાકી હવે તેના નેતા હશે. અમેરિકાએ અવલાકી પર 6 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. USએ જણાવ્યું હતું કે, અવલાકીએ “સાર્વજનિક રીતે યુએસ અને તેના સાથી દેશો વિરુદ્ધ હુમલા કરવા માટેનું આહવાન કર્યું છે.”
આ પણ જુઓ: PM મોદીના હસ્તક્ષેપથી પુતિને બદલ્યો નિર્ણય, યુક્રેન પર પરમાણુ હુમલો કરવાનો ટાળ્યો