સોમનાથઃ ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતની એક મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. પ્રવાસન સ્થળ અને આધ્યાત્મિક સ્થળ એવા સોમનાથમાં આજે બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના પ્રમોશન માટે અને ભગવાન ભોળાનાથના ચરણોમાં શિશ ઝુકાવવા આવ્યા હતા. તેઓએ સોમનાથ દાદાના દર્શન કરીને શુભ આશિશ મેળવ્યા હતા. તેમની સાથે બોલિવુડ એક્ટ્રેસ માનુષી છિલ્લર પણ હાજર રહ્યા હતા. અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂનના રોજ હિંદી, તમિળ, તેલુગુમાં રિલીઝ થશે
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરીને અભિનેતા અક્ષય કુમારે ધન્યતાની લાગણી અનુભવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની અંદર દિવ્યજ્યોતિ છે. આપ મંદિરની અંદર પ્રવેશ કરો એટલે ઉર્જાનો અનુભવ કરો છો, સોમનાથ મહાદેવનો મહિમા અલૌકિક છે. અદભૂત આધ્યાત્મિક શક્તિનો અહીં સંચાર થાય છે.
આગામી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ સોમનાથના અનુભવને અભુતપૂર્વ ગણાવ્યો હતો. થોડા વર્ષોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને લગતુ કન્ટેન્ટ પોતાના દ્વારા નિર્માણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. સમ્રાટ પૃથ્વીરાજ મુવીથી પોતાનું ડેબ્યુ કરનારી મિસ વર્લ્ડ માનુષી ચિલ્લર દ્વારા પૃથ્વીરાજ મુવીને સ્ત્રી સશક્તિકરણનું સાચું ઉદાહરણ ગણાવવામાં આવી હતી.
‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂનના રોજ હિંદી, તમિળ, તેલુગુમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના અક્ષય કુમાર પ્રમોશન માટે વારાણસી જઇને ગંગામાં ડૂબકી પણ લગાવી હતી. ત્યારે હવે અક્ષય કુમાર ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવવા સોમનાથ આવ્યો છે. અક્ષય કુમારે ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણનો રોલ ભજવ્યો છે. માનુષી ફિલ્મમાં સંયોગિતના રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં સોનુ સૂદ, સાક્ષી તન્વર, આશુતોષ રાણા, સંજય દત્ત, માનવ વિજ લીડ રોલમાં છે. અક્ષય કુમાર પોતાની આ ફિલ્મ માટે ખુબ જ ઉત્સુક છે.
સોમનાથ દાદાના દર્શને આવેલા અક્ષય કુમાર અને બોલિવુડ એક્ટ્રેસ માનુષી છિલ્લરને દાદાની પ્રતિમા ભેટમાં આપવામાં આવી હતી. આ સાથે જ તેઓની આગામી ફિલમની સફળતા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી.
સોમનાથ મંદિરના પરિસરમાં અદભૂત શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરી રહેલા અક્ષય કુમારલ તસવીરમાં કેદ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરનું સ્વયં ચંદ્રદેવે નિર્માણ કર્યું હતું. તેમજ લોકકથાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ પણ અહીં કર્યો હતો. અને તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ જોવા મળે છે. આજે જે સોમનાથ મંદિર આપણને જોવા મળે છે, તે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોનું પરિણામ છે. ભારતના સુવર્ણ ઈતિહાસનું પ્રતિક છે સોમનાથ મંદિર.