અખિલેશ યાદવે ખાણ કૌભાંડ મામલે CBI સમક્ષ હાજર થવાનો કર્યો ઈનકાર


લખનૌ (ઉત્તર પ્રદેશ), 29 ફેબ્રુઆરી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) બહુચર્ચિત રેતી ખનન કૌભાંડમાં સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. દિલ્હી CBIએ હમીરપુરમાં ખાણ કૌભાંડને લઈને 2019માં નોંધાયેલી એફઆઈઆર હેઠળ નોટિસ આપીને અખિલેશ યાદવને પૂછપરછ માટે બોલાવ્યા છે, જો કે, પીટીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, અખિલેશ આજે CBI સમક્ષ હાજર થશે નહીં.
આ કારણસર અખિલેશ યાદવ CBI સમક્ષ હાજર નહીં થાય
સમાજવાદી પાર્ટીના પછાત વર્ગના પ્રદેશ અધ્યક્ષ રાજપાલ કશ્યપે કહ્યું, ‘અખિલેશ યાદવ આજે લખનૌમાં પાર્ટી કાર્યાલયમાં પીડીએની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તે સભા સિવાય ક્યાંય જશે નહીં. મહત્ત્વનું છે કે, આ કેસમાં અખિલેશ યાદવ આરોપી નથી. અખિલેશ યાદવને માઈનિંગ લીઝની ફાળવણીની પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓને લઈને સાક્ષી તરીકે પૂછપરછ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે CrPCની કલમ 160 હેઠળ જારી કરાયેલી નોટિસમાં એજન્સીએ અખિલેશ યાદવને 2019માં નોંધાયેલા કેસના સંબંધમાં 29 ફેબ્રુઆરીએ હાજર થવાનું કહ્યું હતું.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘તે આરોપી નથી. તે સાક્ષી છે.’ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ માઈનિંગ કૌભાંડની તપાસ કરી રહી છે. સપાની સાથે કોંગ્રેસે પણ અખિલેશ યાદવને નોટિસ આપવાને રાજકીય ચાલ ગણાવી છે અને સરકાર પર તપાસ એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: ગેરકાયદે ખનન કેસમાં CBIએ સપાના વડા અખિલેશ યાદવને પાઠવ્યું સમન્સ