અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

અખંડ ભારતનું અવતરણ થશે અમદાવાદના આ સૌથી મહત્ત્વના સ્થળેઃ જાણો રોમાંચક યોજના વિશે

અમદાવાદ, 20 નવેમ્બર, 2024: અખંડ ભારતની વાતો અનેક વખત સાંભળવામાં આવે છે. જૂની પેઢીના લોકોને તો અખંડ ભારત એટલે શું એ ખબર છે, પરંતુ નવી પેઢીના લોકોને મોટેભાગે આ બાબતની કોઈ જાણકારી નથી. અથવા જે જાણકારી છે તે આછી-પાતળી, કાચી-પાકી છે. પરંતુ હવે અમદાવાદ શહેરના યુવાનો તેમજ અન્ય નાગરિકોને ટૂંક સમયમાં અખંડ ભારત શું હતું તેના વિશે જાણવા મળશે. આ માટે શહેરની ગુજરાત યુનિવર્સિટીના સંકુલમાં એક ભવ્ય સ્મારક તૈયાર કરવાની યોજના છે જ્યાં અખંડ ભારતને વિવિધ સ્વરૂપે તાદૃશ્ય કરવામાં આવશે.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે દાખલ કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાદ ભારતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તેમના અભ્યાસક્રમમાં પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાના વિવિધ વિષયોનો સમાવેશ કરી રહી છે. એ જ અનુસંધાને ગુજરાત યુનિવર્સિટીમાં પણ સ્મારક તૈયાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર, નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)-2020 ના અભ્યાસક્રમ અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) ને સામેલ કરવાની બાબતમાં દેશની કેટલીક અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાત યુનિવર્સિટી (GU)નો પણ સમાવેશ થાય છે. ગુજરાત યુનિવર્સિટી IKS પર ટૂંકા ગાળાના, પુસ્તક-આધારિત અભ્યાસક્રમો  ઑફર કરે છે એટલું નહીં પરંતુ ભારતનો સમૃદ્ધ ઇતિહાસ અને વિવિધતા પ્રદર્શિત કરવા યુનિવર્સિટીના કેમ્પસમાં એક ભવ્ય સ્મારક સ્થાપિત કરશે.

આગામી થોડા સમયમાં ગુજરાત યુનિવર્સિટીની અંદાજે 2,500 ચોરસ મીટર જમીન ઉપર “બહુરત્ના વસુંધરા” નામના ભવ્ય ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટમાં પરિવર્તિત કરવામાં આવશે, તેમ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. એકાત્મસ્તોત્રની વિભાવના પર આધારિત આ યોજના અખંડ ભારતની વૈવિધ્યસભર અને સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસને પ્રમાણિત રીતે પ્રતિબિંબિત કરશે. આ સ્મારકમાં ભારતના સંતો અને ઋષિઓની માહિતી આપતી ગેલેરી, હિમાલય અને અન્ય પર્વતો, 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠો અને અખંડ ભારતની નદીઓનાં આકર્ષક દૃશ્યો રજૂ કરાશે. તદઉપરાંત, એક એમ્ફી થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવશે જ્યાં અખંડ ભારતની મહાનતાનું વર્ણન કરતા તકનીકી રીતે અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.

યોજના અંગે ગુજરાત યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સ્મારક મુલાકાતીઓને અખંડ ભારતનો વાસ્તવિક જીવનનો અનુભવ પ્રદાન કરશે. તેમાં અખંડ ભારતની વિવિધ વિભાવનાઓની સમજ આપતું અર્થઘટન કેન્દ્ર અને સાથે સંવાદ કેન્દ્ર પણ હશે જ્યાં મુલાકાતીઓને શિક્ષિત કરવા અને મનોરંજન આપવા માટે સ્વદેશી ખોરાક પીરસતો કાફે શામેલ હશે. તેમણે ઉમેર્યું કે, “અહીં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શહેરના નાગરિકો, શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ ઇન્ટરેક્ટિવ અને અદ્યતન ટેકનિકથી ભારતની અધિકૃત સમજ મેળવવાની તક મળશે. આવા પ્રોજેક્ટ હાથ ધરવા માટે આ યોગ્ય સમય લાગે છે,” તેમ વાઈસ ચાન્સેલરે જણાવ્યું હતું.

આ યોજનાને અગ્રણી આર્કિટેક્ટ ઓજસ હિરાણી સાકાર સ્વરૂપ આપી રહ્યા છે. શ્રી હિરાણીના મતે, સાંસ્કૃતિક સમજણ, શૈક્ષણિક સંવર્ધન, વ્યક્તિગત વિકાસ અને વૈશ્વિક નાગરિકત્વને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીઓને હિંદુ આધ્યાત્મિક પરંપરાઓ દર્શાવવી મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 25 કરોડનો ખર્ચ થશે.

આ પણ વાંચોઃ ગુલામીની માનસિકતા છોડીને ચાલો “ભારતકુળ” અપનાવીએઃ CM ભૂપેન્દ્ર પટેલની યુવાનોને હાકલ

Back to top button