પીએમને ભેટ મળેલા સુવર્ણ મંદિરના મોડલની હરાજીથી અકાલી દળ નારાજ
- વડાપ્રધાન મોદીને મળેલી 912 ભેટોની હરાજી થઈ રહી છે
- અમૃતસરના પ્રસિદ્ધ સુવર્ણ મંદિરનું મોડલ પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે
- પંજાબમાં નારાજગી વધી રહી છે
અમૃતસરઃ વડાપ્રધાન મોદીને મળેલી ભેટની હરાજીમાં પંજાબના અમૃતસર સ્થિત પ્રસિદ્ધ સુવર્ણ મંદિરના મોડલને સામેલ કરવાની બાબતે અકાલી દળને નારાજગીય વ્યક્ત કરી છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલી આ ભેટને લઈને અકાલી દળે પીએમને અપીલ કરી છે કે જો આ ગિફ્ટ રાખવી ન હોય તો તેને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિને પરત કરવામાં આવે.
અકાલી દળના વરિષ્ઠ નેતા સુખબીર સિંહ બાદલે સુવર્ણ મંદિરના મૉડલની હરાજી પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે તે અપમાનજનક છે. અકાલપુરુખ અને ગુરુ સાહેબોની ભેટ અને આશીર્વાદના પવિત્ર પ્રતીકની હરાજી કરવી એ ઘોર અપમાન છે.
શીખ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચશે
સુખબીર સિંહે એક્સ પર લખ્યું હતું કે, આ નિર્ણયથી શીખ સમુદાયની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચશે. તેમણે કહ્યું છે કે સુવર્ણ મંદિરનું મોડેલ પીએમ મોદીને ગુરુ સાહેબોના આશીર્વાદના પ્રતીક તરીકે ભેટમાં આપવામાં આવ્યું હતું. સુખબીર સિંહે પીએમ નરેન્દ્ર મોદીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા, હરાજી રોકવા અને સુવર્ણ મંદિરના મોડલને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિને પરત સોંપવાની અપીલ કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બાદલે પણ પીએમ મોદીને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.
વડા પ્રધાનની ભેટોની વર્ચ્યુઅલ રીતે હરાજી થઈ રહી છે
પીએમ મોદીને મળેલી ભેટોની હરાજી છેલ્લા પાંચ વર્ષથી સતત ચાલી રહી છે. આમાંથી મળેલા પૈસાનો ઉપયોગ નમામી ગંગે પ્રોજેક્ટમાં થાય છે. આ પાંચમું વર્ષ છે કે જ્યારે હરાજી બોલી રહી છે. આ વખતે પીએમ મોદીને મળેલી 912 ભેટોને દિલ્હીની નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટમાં હરાજી માટે મૂકવામાં આવી છે જેમાં સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ પણ છે. અકાલી દળ અને પંજાબના અન્ય સંગઠનોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો, મહુઆ મોઇત્રા લાંચ કેસમાં લોકસભાની એથિક્સ કમિટિ આજે સુનાવણી કરશે