વિશ્વ બેંકના નવા પ્રમુખ અજય બંગા, 5 વર્ષનો રહેશે કાર્યકાળ
ભારતીય મૂળના અમેરિકન નાગરિક અજય બંગા 2 જૂન, 2023ના રોજ 5 વર્ષ માટે વિશ્વ બેંકના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે. અગાઉ 3 મેના રોજ વિશ્વ બેંકના કાર્યકારી નિર્દેશકોએ બંગાની નિમણૂકની જાહેરાત કરી હતી. અજય બંગા અગાઉ માસ્ટરકાર્ડના CEOનું પદ સંભાળી ચુક્યા છે. તેમને આ પદ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને નામાંકિત કર્યા હતા. આ સાથે આ પદ માટે અન્ય કોઈ દાવેદાર આગળ આવ્યા ન હતા. તેઓ વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસનું સ્થાન લેશે.
જળવાયુ પરિવર્તન એ એક ખાસ પડકાર
વિશ્વ બેંકના પ્રમુખ તરીકે અજય બંગાનો કાર્યકાળ સંપૂર્ણ 5 વર્ષનો રહેશે. તેમની પાસે નાણાકીય અને વિકાસ કાર્ય સંભાળવાનો સારો અનુભવ છે. બાંગાને નોમિનેટ કરતી વખતે જો બિડેને કહ્યું હતું કે તેમને ક્લાઈમેટ ચેન્જ જેવા પડકારોનો સામનો કરવાનો ઘણો અનુભવ છે. આ સાથે, વિશ્વ બેંકે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે બેંક બંગા સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે અને વિકાસશીલ દેશોના પડકારોને પાર કરીને તમામની અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે ક્લાઈમેટ ચેન્જના મુદ્દે ડેવિડ માલપાસ પર ઘણા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, જે બાદ તેમણે પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા જ પદ છોડવાનો નિર્ણય લીધો હતો.
બંગા ભારતીય મૂળના વિશ્વ બેંકના પ્રથમ પ્રમુખ
અજય બંગા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે જે આ પદ પર કબજો કરવા જઈ રહ્યા છે. તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં પણ મહત્વના હોદ્દા પર રહ્યા છે. 2010 અને 2021 ની વચ્ચે, તેમણે માસ્ટરકાર્ડના CEO તરીકે સેવા આપી હતી. તેમનું પૂરું નામ અજયપાલ સિંહ બંગા છે અને તેમનો જન્મ 10 નવેમ્બર 1959ના રોજ પુણે, મહારાષ્ટ્ર, ભારતમાં થયો હતો. તેમના પિતા ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર હતા. તેનો પરિવાર મૂળ પંજાબના જાલંધરનો છે.
તેમણે દિલ્હીની સ્ટીફન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેણે IIM અમદાવાદમાંથી MBA કર્યું. વર્ષ 1980માં, તેણે વિશ્વની સૌથી મોટી કંપની નેસ્લે ઈન્ડિયા સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ 2007માં તેમને અમેરિકન નાગરિકતા પણ મળી હતી. નાણાકીય ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ વર્ષ 2016 માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.