એરટેલે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, ટેરિફમાં 10થી 21%નો કર્યો વધારો
- નવા દર 3 જુલાઈથી થશે લાગુ
- રિલાયન્સ જિયોએ ગઈકાલે જ ટેરિફના દરમાં કર્યો હતો વધારો
નવી દિલ્હી, 28 જૂન: રિલાયન્સ જિયો બાદ ભારતી એરટેલે પણ મોબાઈલ ટેરિફના દરમાં વધારો કર્યો છે. ભારતી એરટેલે ટેરિફમાં 10-21 ટકાના વધારાની જાહેરાત કરી છે. આ વધેલા મોબાઈલ ટેરિફ 3 જુલાઈ 2024થી અમલમાં આવશે. આનાથી પોસ્ટપેડ અને પ્રીપેડ બંને મોબાઈલ ફોનના દરો પર અસર થશે અને પ્લાન મોંઘા થઈ જશે.
જાણો ભારતી એરટેલના વધેલા દરો
નવા સંશોધિત ટેરિફ મુજબ, એરટેલના 179 રૂપિયાના સૌથી સસ્તા પ્લાનની કિંમત હવે 199 રૂપિયા હશે. આ સિવાય 84 દિવસની વેલિડિટી સાથે 455 રૂપિયાનો પ્લાન 509 રૂપિયાનો થઈ જશે. 365 દિવસની માન્યતા સાથેનો પ્રીપેડ પ્લાન જેનો દર 1799 રૂપિયા હતો, તે વધીને 1999 રૂપિયા થઇ જશે.
ભારતી એરટેલે સ્ટોક એક્સચેન્જને આપી માહિતી
ભારતી એરટેલે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે ભારતમાં ટેલિકોમ કંપનીઓ માટે નાણાકીય રીતે સ્વસ્થ બિઝનેસ મોડલને સક્ષમ કરવા માટે મોબાઈલ એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર રૂ. 300થી વધુ હોવી જોઈએ. અમારું માનવું છે કે ARPUનું આ સ્તર નેટવર્ક ટેક્નોલોજી અને સ્પેક્ટ્રમમાં જરૂરી નોંધપાત્ર રોકાણને સક્ષમ કરશે અને મૂડી પર સાધારણ વળતર આપશે. આ નવી અને વધેલી કિંમતો ભારતી હેક્સાકોમ લિમિટેડના સર્કલ સહિત ભારતી એરટેલના તમામ સર્કલમાં લાગુ થશે.
આ પણ વાંચો: એક દેશ, એક ચાર્જર! ભારતમાં પણ લાગુ થઈ શકે છે આ નિયમ, જાણો શું થશે ફેરફાર?