અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સિદ્ધપુર અને વડનગર ખાતે બનશે એરપોર્ટઃ ગુજરાત સરકાર

Text To Speech

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2024, હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બજેટ રજૂ થયા બાદ પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્યોના સવાલના સરકાર જવાબ આપી રહી છે. ત્યારે આજે વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ એરપોર્ટ અંગેનો સવાલ કર્યો હતો. જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, કેવડિયાથી 12 કિલોમીટર દૂર એરપોર્ટ બનાવવામાં આવશે. હાલ તિલકવાડા ખાતે એરપોર્ટ બનાવવા માટે સરકાર કવાયત કરી રહી છે.

સિદ્ધપુર અને વડનગરમાં પ્રિફિઝિબિલિટીની કામગીરી પ્રગતિ હેઠળ
નાગરિક ઉડ્ડયન મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, તિલકવાડાના ફેરકુવા અને સુરોવા ખાતે એરપોર્ટ બનાવવાની શક્યતા છે. આ ઉપરાંત સિદ્ધપુર અને વડનગર ખાતે એરપોર્ટ બનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એરપોર્ટ કનેક્ટિવિટીને લઈ હાલ રાજ્ય સરકાર નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પ્રિફિઝિબિલિટી સ્ટડીની કામગીરી કરી રહી છે. જ્યારે સિદ્ધપુર અને વડનગરમાં પણ પ્રિફિઝિબિલિટીની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ગત વર્ષે પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર થયો હતો
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે રેકોર્ડબ્રેક પ્રવાસીઓ આવ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં દેશ-વિદેશથી પોણા બે કરોડ લોકોએ મુલાકાત લીધી હતી, ત્યારે ગત વર્ષે પ્રવાસીઓનો આંકડો 50 લાખને પાર થતા એક નવો જ રેકોર્ડ સ્થાપિત થયો હતો. 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો આ વર્ષે 50 લાખને પાર પહોંચ્યો હતો. 29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લોકો પોતાના પરિવાર-મિત્રો સાથે અહીં આવીને સુંદર જગ્યાની મજા માણી છે, આ વર્ષે નવા આકર્ષણો મુકવામાં આવ્યા છે.રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ ઉપલબ્ધ થયેલી છે.

આ પણ વાંચોઃધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શરૂ કરાશે હેલ્પલાઈન, નંબર કરાયો જાહેર

Back to top button