ભારતમાં લોન્ચ થશે એર ટેક્સી, દોઢ કલાકનું અંતર 7 મિનિટમાં કાપશે
- ભારતમાં 2026 સુધીમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
- દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ચલાવવામાં આવશે.
- આ એર ટેક્સી પાઈલટ સહિત પાંચ લોકોને લઈને 160 કિલોમીટર સુધી ઉડી શકે છે.
ભારતીય કંપની ઇન્ટર ગ્લોબ એન્ટરપ્રાઇઝ, અમેરિકન સ્ટાર્ટઅપ આર્ચર એવિએશન સાથે મળીને 2026 સુધીમાં ભારતમાં ઇલેક્ટ્રિક એર ટેક્સી લાવવાની તૈયારી કરી રહી છે. તે દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં ચલાવવામાં આવશે. ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝની પેટાકંપની દેશની અગ્રણી ખાનગી હવાઈ સેવા ઈન્ડિગોનું સંચાલન કરે છે, જે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ મુસાફરોને સફર કરાવે છે.
આર્ચર એવિએશને ગયા મહિને જ યુનાઈટેડ આરબ અમીરાત સાથે અમેરિકાની બહાર તેનો પહેલો કરાર કર્યો છે. ભારત તેનું બીજું લક્ષ્ય છે. આ રીતે વર્ષ 2026 માં UAE અને ભારતમાં એક સાથે એર ટેક્સી સેવા શરૂ થવાની સંભાવના છે.
દિલ્હી-મુંબઈમાં થશે શરૂઆત
ભારતમાં આ સેવા સૌપ્રથમ દિલ્હીથી શરૂ થશે અને મુંબઈ અને બેંગ્લોર પહોંચશે. આ પછી તે અન્ય કોઈ શહેરમાં ફરી શરૂ થશે. બંને કંપનીઓનું કહેવું છે કે તેઓ આ સર્વિસને ઓન-રોડ કિંમત સાથે મેચ કરશે, જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે. કારણ કે આ ઈલેક્ટ્રિક એર ટેક્સી 60 થી 90 મિનિટનું અંતર વધુમાં વધુ સાત-આઠ મિનિટમાં કાપશે. આમ તે ટ્રાફિકમાંથી મુક્તિ મેળવવાનું સાધન બનશે અને લોકોનો સમય પણ બચશે.
વર્ટિકલ લેન્ડિંગ
આર્ચર એવિએશન ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ વિમાન બનાવે છે. આ વિમાન સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. આ એર ટેક્સી પાઈલટ સહિત પાંચ લોકોને લઈને 160 કિલોમીટર સુધી ઉડી શકે છે. બંને કંપનીઓ ભારતમાં 200 એર ટેક્સીઓ સાથે આ સેવા શરૂ કરવા માગે છે. કંપની ચાર્ટર, લોજિસ્ટિક્સ, મેડિકલ ઈમરજન્સી વગેરે માટે પણ તેનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે.
પહેલી એર ટેક્સી એરો શો 2023માં જોવા મળી હતી
આ વર્ષે બેંગ્લારમાં યોજાયેલા એરો ઈન્ડિયા શોમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક એર ટેક્સી જોવા મળી હતી. આ ટેક્સી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બસો કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. આ ટેક્સી બે ક્વિન્ટલ સામાન પણ લઈ જઈ શકે છે.
ચીને ગયા મહિને એર ટેક્સી ફ્લાઇટની પરવાનગી આપી હતી
ચીને ગયા મહિને એર ટેક્સી શરૂ કરવાની પરવાનગી આપી છે. ચીનની સરકારે એહાંગ નામની કંપનીને આ પરવાનગી આપી છે. આ બે સીટર એર ટેક્સી સેન્ટ્રલાઈઝ કમાન્ડ દ્વારા સંચાલિત કરવામાં આવશે. તેની મહત્તમ ઝડપ 128 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ઇલેક્ટ્રિક એર ટેક્સી એકવાર ચાર્જ કર્યા પછી 30 કિલોમીટર સુધી મુસાફરી કરી શકશે. ચીન તેને વધારીને 200 કિલોમીટર પ્રતિ કલાક કરવા પર કામ કરી રહ્યું છે.
ફ્રાન્સ ઓલિમ્પિક ગેમ્સ 2024માં એર ટેક્સી શરૂ કરી શકે છે
ઓલિમ્પિક ગેમ્સ 2024નું આયોજન કરનાર દેશ ફ્રાન્સે પણ ઇલેક્ટ્રિક એર ટેક્સી શરૂ કરવાનો દાવો કર્યો છે. શરૂઆતમાં તેનો ઉપયોગ પેરિસના એર ટર્મિનલ વચ્ચે કરવામાં આવશે. બાદમાં તબીબી જરૂરિયાતો માટે તેનો ઉપયોગ કરવાની યોજના છે. આ પણ બે સીટર એર ટેક્સી છે જેમાં એક પાઈલટ અને એક પેસેન્જર મુસાફરી કરી શકશે. પેરિસ એરપોર્ટ ઓપરેટર ગ્રુપ એર ટેક્સી નેટવર્ક બનાવવા માંગે છે.
ઉબેરે પણ એર ટેક્સીની પણ જાહેરાત કરી છે
ટેક્સી સંચાલક કંપની ઉબેરે વર્ષ 2018માં દેશમાં એર ટેક્સી ચલાવવાની જાહેરાત કરી હતી કે તે વર્ષ 2025 સુધીમાં ભારતમાં એર ટેક્સી સેવા શરૂ કરશે. યોજના અનુસાર, તેને સૌથી પહેલા દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં શરૂ કરવામાં આવશે. ઉબેર એવિએશનના એરિકે કહ્યું હતું કે, તેઓ સૌપ્રથમ 2023માં અમેરિકાના ડલ્લાસ અને લોસ એન્જલસમાં તેમની સેવા શરૂ કરશે. ત્યારબાદ ધીરે ધીરે આ સેવા ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફ્રાન્સ અને બ્રાઝિલમાં શરૂ કરવામાં આવશે.
ચીને વર્ષ 2022માં સંયુક્ત આરબ અમીરાતમાં એર ટેક્સીનું પરીક્ષણ પણ કર્યું હતું. પરંતુ હવે આર્ચર એવિએશન એગ્રીમેન્ટ કરવામાં આગળ નીકળી ગયું છે. હરિયાણાના સીએમ મનોહર લાલે વર્ષ 2021માં ચંદીગઢ અને હિસાર વચ્ચે દેશની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરી હતી. બાદમાં તેને અન્ય રૂટ પર વિસ્તારવાની હતી, નાના એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આ સેવા શરૂ કરવામાં આવી હતી.
કહી શકાય કે વિશ્વમાં એર ટેક્સી સેવા હજુ તેના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહી છે. પરંતુ અત્યાર સુધીની વિકાસયાત્રાએ આશા જગાવી છે કે આવનારા વર્ષોમાં વિશ્વના અનેક શહેરોમાં ઇલેક્ટ્રિક એર ટેક્સીઓ આકાશમાં ઉડતી જોવા મળશે.
આ પણ વાંચો, પરિણીતી ચોપરાએ પતિ રાઘવ ચઢ્ઢાના જન્મદિવસે શેર કરી રોમેન્ટિક તસવીરો