એર ઈન્ડિયા આવનારા દિવસોમાં લોન્ગ રૂટ ફ્લાઈટ્સમાં રજૂ કરશે ઇકોનોમી ક્લાસ
ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયા તેના વૈશ્વિક નેટવર્ક અને માર્કેટ શેરને વધારવા માટે પગલાં લઈ રહી છે. દરમિયાન, એરલાઇનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે એરલાઇન લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં વધુ સુવિધાઓ સાથે ઇકોનોમી ક્લાસ રજૂ કરવા જઇ રહી છે.
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર તેનો બજાર હિસ્સો વધારશે
જેઆરડી ટાટા મેમોરિયલ ટ્રસ્ટ ખાતે એક કાર્યક્રમમાં બોલતા વિલ્સને જણાવ્યું હતું કે ભારત અને એર ઈન્ડિયા પાસે આગામી દાયકામાં વિશ્વના ઉડ્ડયન ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી બનવાની તકો છે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર તેનો બજાર હિસ્સો વધારીને ઓછામાં ઓછા 30 ટકા કરશે. એરલાઇન લાંબા ગાળાની પુનઃપ્રાપ્તિ યોજના પર કામ કરી રહી છે અને આગામી પાંચ વર્ષમાં તેના કાફલા તેમજ તેના વૈશ્વિક નેટવર્કને વધારવાની યોજના ધરાવે છે.
આટઆટલા ફેરફાર કર્યા અને ભવિષ્યમાં થશે
વધુમાં વિલ્સને કહ્યું કે, નજીકના ભવિષ્યમાં એર ઈન્ડિયાના વિમાનોમાં ગાલીચા, પડદા, સીટ કવર-કુશન બદલવામાં આવશે. અમે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું મેનુ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. આ ઉપરાંત, અમે આવતા મહિનાથી લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર વધુ આરામદાયક ઇકોનોમી ક્લાસ રજૂ કરીશું.
ભવિષ્યમાં આધુનિક વિમાનો પણ લવાશે
એર ઈન્ડિયાના CEOએ કહ્યું, એરલાઈનનાં લગભગ 20 એરક્રાફ્ટ કે જે ફંડ અને સ્પેરનાં અભાવે ઘણા વર્ષોથી કાર્યરત ન હતા તેનું સમારકામ કરવામાં આવ્યું છે. વધુમાં, આગામી 12 મહિનામાં વધારાના 30 એરક્રાફ્ટ માટે લીઝને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેની ડિલિવરી આવતા સપ્તાહે શરૂ થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સિવાય, અમે નવી પેઢીના એરક્રાફ્ટના ઓર્ડર માટે બોઇંગ, એરબસ અને એન્જિન ઉત્પાદકો સાથે વાતચીત કરી રહ્યા છીએ.
આવતા દિવસોમાં નવી ફ્લાઇટ્સ શરૂ કરાશે
એર ઈન્ડિયાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી વિસ્તારી છે અને વાનકુવર, સિડની અને મેલબોર્ન માટે વધુ ફ્લાઈટ્સ રજૂ કરી છે. વિલ્સને કહ્યું, અમારી પાસે હવે ભારતના સાત શહેરોથી લંડન માટે સીધી ફ્લાઈટ્સ છે. આ ઉપરાંત સાનફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક અને નેવાર્કની સીધી ફ્લાઈટ આગામી થોડા અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે.