- હોટેલમાં રોકાયેલી કર્મચારીના રૂમમાં અજાણ્યો શખસ ઘુસી ગયો
- ઘટના પૂર્વે જ એરલાઈન્સ સ્ટાફે હોટલમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી
- ભોગ બનનાર ક્રૂ મેમ્બર ભારત પરત પહોંચી
નવી દિલ્હી, 18 ઓગસ્ટ : લંડનની એક મોટી હોટલમાં એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર અને મારપીટનો મામલો સામે આવ્યો છે. એરલાઈને રવિવારે પોતાના નિવેદનમાં કહ્યું કે તે સ્થાનિક પોલીસના સંપર્કમાં છે અને મામલાની તપાસ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, આ ઘટના લંડનના હીથ્રો સ્થિત રેડિસન રેડ હોટલમાં બની હતી. જ્યાં એરલાઈન્સ સ્ટાફે પહેલાથી જ હોટલમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા ક્રૂ મેમ્બર તેના રૂમમાં સૂઈ રહી હતી ત્યારે લગભગ 1.30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ તેના રૂમમાં ઘૂસ્યો હતો. જ્યારે મહિલાની આંખ ખુલી તો તે ચીસો પાડવા લાગી હતી. આના પર હુમલાખોરે મહિલા પર કપડાના હેંગર વડે હુમલો કર્યો અને તેને જમીન પર ખેંચી ગયો. તે રૂમની બહાર ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે તેને સતત મારતો હતો. આખરે નજીકના રૂમમાંથી લોકો મદદ માટે આવ્યા અને હુમલાખોરને પકડી લેવામાં આવ્યો હતો. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
એરલાઈને શું કહ્યું
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. અમે અમારા સાથીદારો અને ટીમના સંપર્કમાં છીએ અને તેમને સતત સમર્થન આપી રહ્યા છીએ. એર ઈન્ડિયા સ્થાનિક પોલીસ સાથે કાયદાકીય મુદ્દાઓ પર પણ કામ કરી રહી છે. તેમજ હોટલ મેનેજમેન્ટનો સંપર્ક કરીને આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરવા જણાવ્યું હતું. એરલાઈને કહ્યું કે તે તેના ક્રૂ મેમ્બર અને સ્ટાફ મેમ્બર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
મળતી માહિતી મુજબ, હાલમાં મહિલા ક્રૂ મેમ્બર ભારત પરત આવી ગઈ છે અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાએ સલામતીના મુદ્દાઓને અવગણીને ઈરાદાપૂર્વક કેબિન ક્રૂને જોખમમાં મૂક્યા હતા.
આ પણ વાંચોઃ બોલિવૂડ પાર્ટીનું સત્ય! કંગનાએ રહસ્ય ઉજાગર કર્યું;ઈન્ડસ્ટ્રી વિશે આપ્યું આ સ્ટેટમેન્ટ