Air Indiaએ મુંબઈ એરપોર્ટ પર વૃદ્ધ પેસેન્જરને વ્હીલચેર ન આપી, ચાલતા-ચાલતા થયું મોત
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2024: વ્હીલચેર ન મળવાને કારણે મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક 80 વર્ષીય પેસેન્જરનું મોત થયું હતું. પેસેન્જરે વ્હીલચેર માટે વિનંતી કરી હતી, Air Indiaના કર્મચારીઓ દ્વારા વૃદ્ધને રાહ જોવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ચાલવાનું નક્કી કર્યું, એ પછી ચાલતા-ચાલતા તે પડી ગયા અને તેમનું મોત નિપજ્યું.
મુંબઈ એરપોર્ટની ઘટના
આ ઘટના 12 ફેબ્રુઆરીએ મુંબઈ એરપોર્ટ પર બની હતી જ્યારે પેસેન્જર ન્યૂયોર્કથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી ઉતર્યા હતા. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પેસેન્જરની ઉંમર 80 વર્ષથી વધુ હતી. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે વ્હીલચેરની ભારે માંગને કારણે તેમણે પેસેન્જરને એરલાઈન સ્ટાફ દ્વારા સહાયિત વ્હીલચેરની રાહ જોવાની વિનંતી કરી હતી, પરંતુ વૃદ્ધે ચાલીને જવાનું પસંદ કર્યું હતું.
એર ઈન્ડિયાની સ્પષ્ટતા
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, ’12 ફેબ્રુઆરીના રોજ ન્યૂયોર્કથી મુંબઈ જઈ રહેલા અમારા એક મહેમાન તેમની પત્ની સાથે ઈમિગ્રેશન ક્લિયર કરવા જઈ રહ્યા હતા ત્યારે બીમાર પડ્યા હતા. વૃદ્ધ મુસાફરે વ્હીલચેર માંગી હતી. વ્હીલચેરની ભારે માંગને કારણે અમે પેસેન્જરને થોડીવાર રાહ જોવાની વિનંતી કરી પરંતુ તેમણે તેની પત્ની સાથે ચાલીને જવાનું પસંદ કર્યું. આમ, વૃદ્ધ ઇમિગ્રેશન કાઉન્ટર તરફ ચાલીને ગયા, આ દરમિયાન તેમની તબિયત બગડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું.