ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

પશ્ચિમ બંગાળમાં હવે AIIMS ભરતી કૌભાંડ ? BJP નેતાઓની સંડોવણી ?

Text To Speech
હાલ પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારના શિક્ષક ભરતી કૌભાંડની તપાસ ચાલી રહી છે અને એક પછી એક નવા ખુલાસાઓ તેમાં થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને તેના જ ભાગરૂપે ત્યાં કલ્યાણી AIIMS માં ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકાએ સીઆઈડીએ આજે ભાજપના ધારાસભ્ય નીલાદ્રી શેખર દાનાની પુત્રીની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. તેમના સિવાય આ કૌભાંડમાં ભાજપના અન્ય નેતાઓની પણ સંડોવણી હોવાની શંકા છે.
શું છે કલ્યાણી એમ્સમાં ભરતીનો મામલો?
આ અંગે મળતી માહિતી મુજબ બાંકુરાના બીજેપી ધારાસભ્ય નીલાદ્રી શેખર પર આરોપ છે કે તેણે પોતાના પ્રભાવથી પુત્રી મૈત્રી દાનાને કલ્યાણી એમ્સમાં નોકરી અપાવી હતી. CIDના 4 અધિકારીઓ આજે બાંકુરામાં નીલાદ્રી શેખરના ઘરે પહોંચ્યા હતા અને આ મામલે લાંબી પૂછપરછ કરી હતી. આ મામલે એક મહિના પહેલા જ કલ્યાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપ મુજબ, કલ્યાણી એમ્સમાં ભરતી દરમ્યાન કૌભાંડ થયું હતું અને સીઆઈડીએ ગયા અઠવાડિયે નાદિયાના છકડાથી બીજેપી ધારાસભ્ય બંકિમ ઘોષની વહુ અનસૂયા ઘોષ ધરની પૂછપરછ કરી હતી કે તરત જ સીઆઈડીએ તપાસ હાથ ધરી હતી.
ગત 20મે ના આ મામલે નોંધાઈ ગઈ હતી એફઆઈઆર !
આ મામલામાં બીજેપીના ઘણા નેતાઓ પર આરોપ છે કે તેઓએ કલ્યાણી એમ્સમાં સંબંધીઓને નોકરી અપાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો છે. મળતી માહિતી મુજબ FIRમાં કુલ 8 લોકોના નામ છે. આ FIR 20 મેના રોજ નોંધવામાં આવી હતી. આ કેસમાં IPC કલમ 420 (છેતરપિંડી), 406, 120-B (ગુનાહિત કાવતરું) વગેરે હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે ધારાસભ્ય નીલાદ્રીની પુત્રીને ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરી આપવામાં આવી હતી. જેમાં મહિને 30,000 રૂપિયાનો પગાર હતો. જ્યારે તે ટેસ્ટ આપવા પણ ગઈ ન હતી. ધારાસભ્ય નિલાદ્રીએ આ આરોપોને પહેલા જ નકારી દીધા છે. આ મામલામાં બીજેપી સાંસદ જગન્નાથ સરકારનું નામ પણ સામે આવ્યું છે.  તેમણે કહ્યું હતું કે સીઆઈડી શાસક ટીએમસીના આદેશ પર કામ કરી રહી છે.
Back to top button