AIFFના અધ્યક્ષ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા મુખ્ય કાનૂની સલાહકારની હકાલપટ્ટી
નવી દિલ્હી, 04 માર્ચ: ઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ રવિવારે તેના મુખ્ય કાનૂની સલાહકાર નીલંજન ભટ્ટાચારીને હાંકી કાઢ્યા છે. જેમણે પ્રમુખ કલ્યાણ ચૌબે સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. ચૌબેએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
ભટ્ટાચારીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો
ભટ્ટાચારીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરને AIFF સંબંધિત ટેન્ડર પ્રક્રિયામાં ‘ભ્રષ્ટાચાર’નો ઉલ્લેખ કરીને પત્ર લખ્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ચૌબેએ ફેડરેશનના ભંડોળનો ઉપયોગ અંગત ખર્ચ માટે કર્યો હતો. ચૌબેએ કહ્યું હતું કે તેઓ તેનો કાયદાકીય જવાબ આપશે.
AIFFના કાર્યકારી મહાસચિવે શું કહ્યું?
AIFFના કાર્યકારી જનરલ સેક્રેટરી એમ સત્યનારાયણે રવિવારે ભટ્ટાચારીને બરતરફી પત્રમાં લખ્યું કે, તત્કાલ પ્રભાવથી મુખ્ય કાનૂની સલાહકાર તરીકે તમારી નિમણૂકને સમાપ્ત કરવાના AIFFના નિર્ણય વિશે તમને જાણ કરું છું. AIFF ભટ્ટાચાર્યને કોન્ટ્રાક્ટ હેઠળ વધુ એક મહિના માટે ચૂકવણી કરશે કારણ કે બરતરફી માટે એક મહિનાની નોટિસ જરૂરી છે. ભટ્ટાચારીએ કહ્યું કે તેમને આની અપેક્ષા હતી.
આ પણ વાંચો: EDનું સમન્સ ગેરકાયદેસર, પરંતુ જવાબ આપવા માટે તૈયાર છું: CM કેજરીવાલ