અહમદનગરનું નામ બદલીને ‘અહિલ્યા નગર’ કરાશે, મહારાષ્ટ્રના CM શિંદેએ કરી જાહેરાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે અહમદનગરનું નામ બદલીને ‘અહિલ્યા નગર’ કરવામાં આવશે. ઘણા સમયથી આ શહેરનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે લોકોની પ્રતીક્ષા પૂરી થઈ. ડિસેમ્બર 2022માં પણ શિક્ષણ મંત્રી દીપક કેસરકરે વિધાન પરિષદમાં કહ્યું હતું કે મેં મહારાષ્ટ્રના આ જિલ્લાનું નામ બદલીને ‘અહિલ્યા નગર’ કરવા માટે જિલ્લા પ્રશાસન પાસેથી પ્રસ્તાવ માંગ્યો છે. હવે ટૂંક સમયમાં તેમની માંગણી મંજૂર કરવામાં આવશે.
સત્તામાં આવ્યા બાદ શિવસેના અને ભાજપે શહેરોના નામ બદલ્યા
સત્તામાં આવ્યા બાદ, શિંદેની શિવસેના અને ભાજપે કેટલાક શહેરોના નામ બદલી નાંખ્યા છે જેમ કે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર કરાયુ. તે જ સમયે, ઉસ્માનાબાદ ધારાશિવમાં બદલાઈ ગયું. તો બીજી તરફ ભાજપે અહમદનગરનું નામ બદલીને અહલ્યાબાઈ નગર કરવાની માંગ કરી હતી.
ભાજપના નેતાએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો
આ પહેલા ભાજપના નેતા ગોપીચંદ પડલકરે તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું કે અહલ્યાબાઈ હોલકરનો જન્મ અહમદનગરના ‘ચૌંડી ગામમાં’ થયો હતો. અહલ્યાબાઈના આ શહેર સાથેના જોડાણને જોતા તેનું નામ બદલવાની માંગ ઉઠી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આ જાહેરાત બાદ આ શહેર ફરી તેનું ગૌરવ પ્રાપ્ત કરશે અને ફરીથી ‘અહલ્યાબાઈ નગર’ના નામથી ઓળખાશે.
આ પણ વાંચો: કુનોથી નૌરાદેહી શિફ્ટ થશે ચિત્તા, 6 ચિત્તાના મોત બાદ સરકાર એલર્ટ