આજે વિઘ્નહર્તાની વિદાય, જાણી લો અમદાવાદના કયા રસ્તા રહેશે બંધ
અમદાવાદમાં આજે વિઘ્નહર્તાને રંગેચંગે વિદાય આપવામાં આવશે. જેમાં હજારો ગણેશ પંડાલોમાંથી આજે દૂંદાળા દેવની વિદાય કરવામાં આવશે. ડીજે અને નગારાના તાલ સાથે નાચતા ગાતા ભક્તો ગણેશજીને વિદાય આપશે.
અમદાવાદના કયા રસ્તા રહેશે બંધ
અમદાવાદમાં ગણેશ વિસર્જનને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન માટેના કુંડની વ્યવસ્થા રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી હોવાથી શહેરમાં એસટીથી જમાલપુર બ્રિજ થઈને પાલડી ચાર રસ્તા તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં મનપા તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદના આ માર્ગો બંધ
- એસટીથી રાયપુર, સારંગપુર થઈ કાલુપુર ઈનગેટ તરફનો રસ્તો
- રેલવે સ્ટેશનથી સારંગપુર, રાયપુર, ખમાસા, એલિસબ્રિજથી ટાઉનહોલ સુધી
- પશ્વિમમાં વાડજ સ્મશાન ગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ પરનો રસ્તો
- પૂર્વમાં પિકનિક હાઉસથી આંબેડકર બ્રિજ સુધી રિવરફ્રન્ટનો રસ્તો બંધ રહેશે
- એસટીથી જમાલપુર બ્રિજ થઈ પાલડી તરફનો માર્ગ
- ગણેશ વિસર્જન માટે શહેરમાં બનાવવામાં આવ્યા છે 70 કુંડ
આજે ગણેશ વિસર્જન હોવાથી મનપા દ્વારા અલગ અલગ વિસ્તારમાં 70 કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી શહેરીજનોને કોઈ અગવડતાનો સામનો કરવો ના પડે. સાથે જ શહેરીજનોને ઊંડા પાણીમાં ના ઉતરવાની અપીલ કરી છે. સાથે જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 8 હજાર પોલીસકર્મીઓ, SRPની 11 અને RAFની 1 કંપની તૈનાત રહેશે તેમજ કોઈ ડૂબી ન જાય તે માટે જડબેસલાક આયોજન કરાયું છે. વિસર્જન સ્થળે એમ્બ્યુલન્સ, રેસ્ક્યૂ ટીમ, ક્રેન, બોટ, તરવૈયા સાથે તૈનાત રહેશે.
આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જન
ગુજરાત સહિત સમગ્ર દેશમાં રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે.અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે.આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.