
ભારતીય રેલ્વે દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસનું કામ 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસનું કામ રૂ. 2379 કરોડના ખર્ચ સાથે શરૂ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટના અમલીકરણ માટે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ટેન્ડર 13 માર્ચે ખોલવામાં આવ્યું હતું. રિડેવલપમેન્ટનું કામ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ ટર્મિનલ (બુલેટ ટ્રેન), મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્સપોર્ટને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ સાથે એકીકરણ કરવામાં મદદ કરશે જેથી મુસાફરો અને શહેરના રહેવાસીઓને વધુ સારો અનુભવ અને ગતિશીલતા મળી શકે. આ ઉપરાંત મલ્ટી લેવલ કાર પાર્કિંગ, સ્કાયવોક, લેન્ડસ્કેપ પ્લાઝા વગેરેના રૂપમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સ્ટેશન અને નવા સિટી સેન્ટર પર હેરિટેજ સ્મારકોના એકીકરણ માટે એક સર્વગ્રાહી અભિગમની પણ વિચારણા કરવામાં આવી છે.
આ સ્ટેશન બિલ્ડિંગનું સ્થાપત્ય મોઢેરા સૂર્ય મંદિરમાંથી પ્રેરિત છે. કાલુપુર તરફનો MMTH બિલ્ડિંગનો ટાવર અમદાવાદ શહેર માટે એક નવો સીમાચિહ્ન બનશે. સ્ટેશન પરિસરમાં ઈંટ મિનાર અને ઝુલતા મિનારના આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના સંરક્ષિત સ્મારકોને સૌંદર્યલક્ષી રીતે એકીકૃત કરીને આ હેરિટેજનું મહત્વ વધારવામાં આવશે. અડાલજની વાવથી પ્રેરિત ઓપન એમ્ફીથિયેટર સ્ટેશનની ડિઝાઇનમાં બનેલ એક નવો કોન્સેપ્ટ છે. આનાથી સ્ટેશનના આર્કિટેક્ચરલ મૂલ્યમાં વધારો થશે અને સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મનોરંજનની સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.
ઠાકુરે જણાવ્યું હતું કે આ પુનઃવિકાસ શહેરની બંને બાજુઓને એકીકૃત કરશે. રેલવે ટ્રેકની ઉપર 15 એકરનો કોન્કોર્સ પ્લાઝા અને 7 એકરનો મેઝેનાઈન પ્લાઝા બનાવવાની યોજના છે. શૌચાલય, પીવાનું પાણી, ફૂડ કોર્ટ, રિટેલ આઉટલેટ્સ, કિઓસ્ક, બેબી ફીડિંગ રૂમ વગેરે જેવી સુવિધાઓ સાથે યાત્રીઓ માટે આ કોન્કોર્સમાં વેઇટિંગ એરિયા પણ હશે. એલિવેટેડ રોડ નેટવર્ક સ્ટેશનની ભીડ ઘટાડશે.
અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી જિતેન્દ્ર કુમાર જયંતના જણાવ્યા અનુસાર, આ યોજનામાં અલગ-અલગ આગમન/પ્રસ્થાન પેસેન્જર પ્લાઝા, ભીડ-મુક્ત અને સ્ટેશન પરિસરમાં સરળ એન્ટ્રી/એક્ઝિટ, ભૂગર્ભ પાર્કિંગ વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. આ રેલવે સ્ટેશન વિકલાંગોને અનુકૂળ રહેશે. સમગ્ર સ્ટેશન પરિસરમાં લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવશે.
સ્ટેશન બિલ્ડીંગ ગ્રીન બિલ્ડીંગ હશે જેમાં ઉર્જા, પાણી અને અન્ય સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ, પુનઃપ્રાપ્ય ઉર્જા વગેરેનો ઉપયોગ કરવાની સુવિધાઓ હશે. સ્ટેશન અત્યાધુનિક સલામતી અને સુરક્ષા ટેકનોલોજીથી સજ્જ હશે અને સારી સ્ટેશન વ્યવસ્થાપન માટે નિપુણતાથી ડિઝાઇન કરાયેલી સુવિધાઓ પણ હશે. વધુ સારી રીતે હેન્ડલિંગ માટે ઓટોમેટેડ સિસ્ટમ સાથે પાર્સલ ડેપોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.