અમદાવાદની લાઈફલાઈન બનશે મોંઘી , AMTS અને BRTSના ભાડામાં થશે આટલો વધારો
અમદાવાદની લાઈફલાઈન ગણાતી AMTS અને BRTSને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા AMTS અને BRTSના ભાડામાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી છે. જાણકારી મુજબ AMTS અને BRTSના ભાડમાં રૂ.2થી 5નો વધારો થઈ શકે છે. ડીઝલ અને CNGના ભાવ વધતા ટિકિટ દર વધારા અંગે વિચારણા ચાલી રહી છે.
AMTS-BRTSની મુસાફરી બનશે મોંઘી
અમદાવાદીઓને ટૂંક સમયમાં મોટો ઝટકો લાગી શકે છે. કેમકે આાગામી સમયમાં અમદાવાદીઓને AMTS-BRTSની મુસાફરી કરવી મોંઘી પડી શકે છે. બસના ભાડા વધારા માટે તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે. પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં ફેરફાર થતાં ભાડા વધારા માટે વિચારણા ચાલી રહી છે. આગામી સમયમાં ભાડા વધારવા માટે દરખાસ્ત આવી શકે છે.
ભાડામાં આટલો વધારો થવાની શક્યતા
મહત્વનું છે કે હાલ AMTSમાં લઘુત્તમ દર 3 રૂ, જયારે મહત્તમ 35 રૂ છે જ્યારે BRTSમાં લઘુત્તમ 4 રૂપિયા અને મહત્તમ 35 રૂપિયા છે. બસ ભાડામાં વર્ષ 2014માં છેલ્લો ભાવ વધારો કરાયો હતો. ત્યારે પેટ્રોલ-ડિઝલ અને સીએનજી ગેસના ભાવ વધવાને કારણે AMTS અને BRTS સતત ખોટ ખાઇ રહી છે. ત્યારે સતાધીશો આ વર્ષે નવો એક બોજો બસના ભાડામા નાખવામા વિચારણા ચાલી રહી છે. AMCના અધિકારીઓ અને સત્તાપક્ષની બેઠકમાં આ મામલે ચર્ચા કરવામા આવી છે. જાણકારી મુજબ ભાડામાં રૂ. બે થી રૂ. પાંચ સુધીનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. ટુંક સમયમાં બસ ભાડા વધારા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આગામી દિવસોમાં બસ ભાડાં અંગે ચાર્ટ તૈયાર કરાશે અને નવા ભાડાની જાહેરાત કરાશે.
AMTS અને BRTSને મર્જ કરવા અંગે વિચારણા
સુત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ બસ ભાડામાં વધારો કરવાની સાથે AMTS અને BRTSને મર્જ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી પરંતુ ટૂંક સમયમાં AMTS અને BRTSને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો : જેપી નડ્ડાનો આસિસ્ટન્ટ હોવાનું કહી ધારાસભ્યોને મંત્રી બનાવવાના નામે લગાવ્યો ચૂનો