અમદાવાદ, 7 ડિસેમ્બર 2023: કોરોના કાળના કપરા સમયમાં અનેક લોકોના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા હતાં. આ સમયમાં કેટલાક લોકોએ હિંમત હાર્યા વિના ફરી બેઠા થવાની મહેનત કરી છે. ત્યારે પડકારોને પાર કરીને સફળતાની સીડીઓ ચડી રહેલા એક અમદાવાદી ઈન્ટીરિયર ડિઝાઈનરની આપણે વાત કરવી છે, જેણે કોરોનાકાળમાં પોતાનો ધંધો બંધ થઈ જતાં ગૌશાળા શરૂ કરી છે.
મિત્રના સહયોગથી ગૌશાળાની શરૂઆત થઈ
ચેતનભાઈ પટેલ નામના ઈન્ટીરિયર ડિઝાઈનર મૂળ કડી તાલુકાના મેઢા ગામના વતની છે. આ ગામ અમદાવાદ નજીકના થોળ પક્ષી અભયારણ્ય પાસે આવ્યું છે. થોળ અભયારણ્યથી માત્ર આઠ કિલોમીટર દૂર મેઢા ગામમાં તેમણે શ્રી રાધેકૃષ્ણ ગીર ગૌશાળા સ્થાપી છે. ચેતનભાઈ પહેલેથી જ ગૌભક્ત છે. ગાયની સેવા કરવી તેમને ખૂબ ગમે છે. બિઝનેસ બંધ થઈ જતાં આવક પણ બંધ થઈ, એટલે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. ચેતનભાઈએ ગૌશાળા સ્થાપવા માટે તેમના મિત્રને વાત કરી અને તેમના મિત્ર તરફથી મળેલા સહયોગ બાદ એક ગૌશાળાની શરૂઆત થઈ.
12 લાખ રૂપિયાનું રોકાણ કરીને ગૌશાળા શરૂ કરી
ચેતનભાઈએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં તેમનો ઈન્ટીરિયર ડિઝાઈનનો બિઝનેસ બંધ થઈ ગયો હતો, એટલે વિચાર કર્યો કે ગૌશાળા શરૂ કરીએ. અમે ઘણી જગ્યાએ જઈને ગૌશાળા જોઈ તેના પરથી આઈડિયા આવ્યો કે કેટલું બજેટ થશે. કેવી રીતે આગળ વધી શકીશું. અમે આખરે ગૌશાળા શરૂ કરવાનું નક્કી કર્યું. અમારી પાસે જમીનની વ્યવસ્થા હતી. આખરે અમે 12 લાખ રૂપિયાનું રોકાણ કરીને આ ગૌશાળા શરૂ કરી.
ગૌશાળાની જમીનમાં જ ગાયનો ઘાસચારો ઉગાડે છે
ચેતનભાઈએ જણાવ્યું હતું કે ગૌશાળામાં ગીરની 25 ગાય છે. તેમનો ઘાસચારો પણ અમે ગૌશાળાની જમીનમાં ઓર્ગેનિક ઉગાડીએ છીએ. ગાયોની સારસંભાળ પણ અમે પોતે રાખીએ છીએ. આ ગૌશાળામાં મારી માતા કૈલાસબેન તથા પિતા જયંતીભાઈ સાથે મારો નાનો ભાઈ મેહુલ પટેલ અને તેનાં પત્ની રચનાબેન અમારી સાથે ત્યાં કામ કરે છે. ગૌશાળાનું તમામ કામ અમે જાતે જ મેનેજ કરીએ છીએ. ગાયોને દોહવાનું કામ પણ અમે હાથ વડે જ કરીએ છીએ. ગાયો દોહ્યા પછીનું એ પ્યોર દૂધની અમે જાતે જ અમદાવાદમાં ડિલિવરી કરીએ છીએ.
ગાયને જીવજંતુથી રક્ષણ આપવા માટે અલગ વ્યવસ્થા
ગાયોને સાચવવા તેમજ તેમને જીવજંતુથી રક્ષણ આપવા માટે પણ ચેતનભાઈએ અલગ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગૌશાળામાં ગાયને માખીઓ અને મચ્છર જેવા જીવજતુંથી રક્ષણ મળે એ માટે શેડની ચારેતરફ મચ્છરજાળી લગાવીને સુરક્ષિત રાખવામાં આવે છે. દરેક ગાય જેટલું પાણી પીવે એટલું ઓટોમેટિક પાણી તેના કુંડામાં ભરાઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ચેતનભાઈનાં માતા કૈલાસબહેન તેમજ રચનાબેન માત્ર 30 મિનિટમાં બધી ગાયોને દોહી શકે છે. તેમના નાના ભાઈ મેહુલભાઈ અને તેમનાં ધર્મ પત્ની રચનાબહેન તથા દીપિકાબેન પણ આ કાર્યમાં ખૂબ જ ઉપયોગી થાય છે.
લોકોને 100 ટકા ઓર્ગેનિક દૂધનો વિકલ્પ આપ્યો
ચેતનભાઈ કહે છે, આ ગૌ શાળા શરૂ કર્યાને વધુ સમય નથી થયો. અમે કોઈ સરકારી સબસિડી નથી લીધી, પરંતુ એમ છતાંય ગીર ગાયોનું મહિને 3 હજાર લિટર દૂધનું ઉત્પાદન થાય છે અને એને ઘરે ઘરે જઈને હું જાતે જ પહોંચતું કરું છું. એ ઉપરાંત 30 લિટર જેટલું ઓર્ગેનિક ઘી પણ અમે ગ્રાહકોને દર મહિને પહોંચાડીએ છીએ. ચેતનભાઇ જણાવે છે કે લોકો ઓર્ગેનિકના નામે ભળતી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે અમે લોકોને 100 ટકા ઓર્ગેનિક દૂધનો વિકલ્પ આપી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારની મોટી પહેલ, સૂર્ય નમસ્કાર કરો અને જીતો લાખો રૂપિયાનું ઈનામ